૧૪ ઓગસ્ટે યશરાજની જ ‘વૉર ૨’ અને રજનીકાંતની ‘કૂલી’ જેવી બે મોટી ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ‘સૈયારા’ પાસે લગભગ ૧૦ દિવસનો સમય છે
Mumbai, તા.૫
મોહિત સુરીની ‘સૈયારા’ એક પછી એક પડાવ પાર કરીને નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. યશરાજ ફિલ્મ્સની આ લવ સ્ટોરી હવે ૩૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી ચુકી છે. માત્ર ત્રણ અઠવાડિયાના થિએટર રનમાં આ ફિલ્મે આટલી કમાણી કરી લીધી છે. ઇન્સ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે આ ફિલ્મે બીજા અઠવાડિયામાં જ આ રોકોર્ડ બનાવી લીધો હોત પરંતુ ‘મહાવતાર નરસિમ્હા’ની એન્ટ્રી થતાં ‘સૈયારા’ને થોડી વધુ રાહ જોવી પડી.પરંતુ જો કમાણીના આંકડા જોવામાં આવે તો તેણે કેટલા દિવસમાં કમાણી કરી તે જોવામાં આવતું નથી, આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આ ફિલ્મ આટલી હિટ જશે. ખરેખર તો ફિલ્મ રિલીઝ થઈ ત્યારે લવ સ્ટોરી અને નવા કલાકારો જેવી બાબતોને કારણે કોઈને એવી પણ કલ્પના નહોતી કે આ ફિલ્મ ૧૦૦ કરોડ પણ રડી શકશે. ઘણા લોકો તો એવું પણ માને છે કે અહાન પાંડે અને અનીત પડ્ડા જેવા નવા કલાકારો હોવાથી ૫૦ કરોડની કમાણી કરી હોત તો પણ તેમના માટે આ ફિલ્મ સફળ જ ગણાઈ હોત. પરંતુ આ ફિલ્મ આંધીની જેમ લોકોને તેની લપેટમાં લેતી ગઈ અને ૩૦૫.૫૦ કરોડ પર પહોંચી ગઈ છે. હજુ ૧૪ ઓગસ્ટે યશરાજની જ ‘વૉર ૨’ અને રજનીકાંતની ‘કૂલી’ જેવી બે મોટી ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ‘સૈયારા’ પાસે લગભગ ૧૦ દિવસનો સમય છે. તેના પછી આ બે ફિલ્મ માટે ઘણા સ્ક્રીન અને શો ફાળવી દેવામાં આવશે. તેમ છતાં કેટલાંક થિએટર હજુ ‘સૈયારા’ ઉતારવાના મૂડમાં નથી. તેથી આ ફિલ્મ ૩૩૦ થી ૩૪૦ કરોડ સુધીની કમાણી કરી લેશે તેવી ગણતરી છે.