સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજીસ્ટર કરાવતી વખતે એડવોકેટના ખાતામાંથી રકમ ઉપડી જતા ગ્રાહક તકરાર સમક્ષ દાદ માંગી હતી
Rajkot,તા.22
સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજીસ્ટર કરાવતી વખતે એડવોકેટના ખાતામાંથી ઉપડી ગયેલ રકમ વ્યાજ સહિત પરત ચુકવવા એસ.બી.આઈ બેંકને ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ તેજસભાઈ હર્ષદભાઈ વજરીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેજસભાઈ વજરીયા સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૪ માં દસ્તાવેજ રજીસ્ટર કરાવતા હતા ત્યારે ફીંગરપ્રિન્ટ આપતા તેમના એસ.બી.આઈ. બેંકમાં એકાઉન્ટમાંથી રૂા.૪૪,૭૦૦ કોઈપણ જાતની ઓટીપી કે અન્ય સુચના વગર ઉપડી ગયા હતા. તેજસભાઈ વજરીયાએ આ અંગે બેંકમાં તેમજ સાઈબર ક્રાઈમ ડીપાર્ટમેન્ટને ફરીયાદ કરી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને પણ જાણ કરી હતી. બેંકની તપાસમાં આ રકમ રાજસ્થાનનાં ડુંગરગઢ ગામના કસ્ટમર સર્વિસ પોઈન્ટ પરથી ડેબિટ થયાનું જાણવા મળેલ પરંતુ તેજસભાઈને આ રકમ પરત ચુકવેલ નહી. જેથી તેજસભાઈએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહકના ખાતામાંથી ઉપડી ગયેલ રૂપિયા છ ટકા વ્યાજ સહિત ચુકવવા તેમજ ફરીયાદ ખર્ચના રૂપિયા પાંચ હજાર ચુકવવા હુકમ કર્યો છે. આ ફરીયાદમાં તેજસભાઈ વજરીયા વતી એડવોકેટ નિલેશ જી. પટેલ, રિધ્ધીબેન પીલોજપરા અને સહાયક દિપાલીબેન નકુમ રોકાયા હતા.