Rajkot,તા.07
સૌરાષ્ટ્રમાં નામી સ્કૂલો ચલાવતાં સંચાલકો પણ પરીક્ષાના નામે વાલીઓને છેતરવા લાગ્યાં હોય તેમ
રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણી આણી ટોળકીએ જેતપુરના વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક અપાવવા ૩૦ લાખ પડાવ્યાં બાદ સારા માર્ક ન આવતાં અને રૂપીયા પણ પરત ન આપી છેતરપીંડી આચરતાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજેશ હરી પેથાણી (રહે. ધોરાજી), ધવલ સંઘવી (રહે. ઉદયપુર, રાજસ્થાન), વિપુલ મૂળશંકર તેરૈયા રહે. રાજકોટ), પ્રકાશ મૂળશંકર તેરૈયા (રહે. સુરત) અને મનજીત જૈન (બેલગામ, કર્ણાટક ) નું નામ આપતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેતરપીંડીની કલમ હૅઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમને ધો.૧૦ સુધીનો અભ્યાસ જેતપુર તેમજ રાજકોટમાં કોલેજનો અભ્યાસ કરેલ છે. તે જેતપુરના જેતલસર ગામમાં બોઇલના ગઠ્ઠા બનાવવાનુ તથા મશીન રીપેરીંગનું કામ કરે છે. વર્ષ ૨૦૨૪ માં તેમનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમ્યોપેથી આયુર્વેદીક મેડિકલ એન્ટ્રેસ (નીટ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરેલ હતી, તેઓએ વાત કરેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે. જેમના માટે રૂ. ૬૦ લાખ થશે તેમ વાત કરી રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવેલ હતી. ધવલને કહેલ કે, મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે તેમ નથી, તો તેમને કહેલ કે, તમે અત્યારે દશ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ.
જેથી ફરીયાદીએ દીકરાના ભવિષ્યને લઇ રૂપિયા આપવાનુ નકકી કરેલ અને રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-૨૦૨૪ ના પ્રથમ વિકમાં રૂ.૧૦ લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા સપ્તાહમાં રૂ. ૨૦ લાખ રાજેશ પેથાણીને રાજકોટ ખાતે રોકડા આપેલ હતા. તેઓએ રાજેશ પેથાણી મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને એમબીબીએસની એન્ટ્રેસ (નીટ) પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે કુલ રૂા.૩૦ લાખ આપેલ હતા. આ સારા માર્ક માટે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ દિકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે મેડિકલ એન્ટ્રેસ (નીટ) પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ બતાવેલ હતું, જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.
તેમના દિકરાએ આ પરીક્ષા કોઈપણ સેટીંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલ જેમાં તેને ૪૬૦ માર્ક્સ આવેલ જેથી જે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત થયેલ તે મુજબ કોઈ સેટીંગ થયેલ નહી અને દિકરાને સારા માર્ક આવેલ નહી, તેથી આ પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશ પેથાણીને આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂપિયા તો ધવલને આપી દિધેલ છે, જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂ. ૩૦ લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ કહેલ પરંતુ ઘણો સમય થઇ ગયેલ પરંતુ રૂપિયા પરત આવેલ નહી.થોડા દિવસ બાદ ધવલ સંધવી, વિપુલ તેરૈયા, પ્રકાશભાઈ તેરૈયા રાજકોટ રાજેશ પેથાણીની રોયલ એકેડમી ખાતે આવેલ અને ફરિયાદીને મળી થોડો સમય માંગેલ અને ચિંતા ન કરતા તમને તમારા રૂપિયા પરત મળી જશે. સમય જતાં રૂપિયા મળેલ નહી જેથી તેરૈયા બંધુને ફોન કરી મારા રૂપિયા આપવાનુ કહેતા તેઓએ કહેલ કે, આ રૂપિયા મનજીત જૈન કે જેઓ કર્ણાટક બેલગાવના છે તેમને આપેલ છે, જે પરત આપતો નથી એટલે આ રૂપિયા તમને પરત આપી શકતા નથી તે રૂપિયા પરત આવે એટલે અમે તમને પરત આપી દઈશ. પરંતુ ઘણો સમય પસાર થઈ જતા રૂપિયા પરત આવેલ નહી. જેથી આરોપીઓએ મળી તેઓના દિકરાને એમબીબીએસ મેડિકલ એન્ટ્રેસની પરીક્ષામાં સારા માર્ક અપાવવાનું કહીં રૂ ૩૦ લાખ લીધેલ હોય જે રૂપિયા પરત ન કરી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી છે.