Rajkot, તા.10
રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈએ લોકોની માફી માંગી કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
પોલીસે ભુઈ સામે અટકાયતી પગલા લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યાલયે ઘણા સમયથી ભુઈ ચકુમાના ધતિંગ સંબંધી માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા મેઘમાયાનગરના રહીશો રૂબરૂ આવી ભુઈના કરતુતો સંબંધી માહિતીમાં છેલ્લા 20 વર્ષથી ભુઈ ચકુમા ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડીનું કામ કરે છે.
ભોજાણી પરિવારે ભુઈ તરીકે સ્થાપના કરી પરિવારના સદસ્યો માટે ધાર્મિક કામ માટે નક્કી કરવામાં આવ્યું. નાનામવા પરિવારનો મઢ આવેલો છે. પરિવારના સદસ્યો રોજગારીનું એકપણ કામ કરતા નથી. મોંઘી કાર, વ્યાજ વટાવ સાથે જમીન સંબંધી કામ કરે છે. દોરા-ધાગા, મંત્ર-તંત્ર, માતાજીનો ખૌફ બતાવી ડરાવી-ધમકાવી રૂપિયા પડાવે છે.
જાથાના જયંત પંડયાએ માતાજીના મઢે પહોંચતા સૌ પ્રથમ પરિચય આપી દોરા-ધાગાના ધતિંગ કાયમી બંધ કરાવ્યા હતા. શરૂઆતમાં ભુઈ તાડુકીને અમે દોરા-ધાગા કરતા નથી, તેના પતિ દિનેશભાઈ સુર પુરાવતા જાથાએ ધતિંગલીલાની વિડીયો કલીપ બતાવી પરિવાર સ્તબ્ધ થઈ ગયા.
દિકરો ઉંચેથી બોલવાનું શરૂ કરતાં પોલીસે કાયદાની ભાષામાં સમજાવતા શરણાગતી સ્વીકારી લીધી. ધતિંગ સંબંધી કબુલાત આપી દીધી. રૂપિયા લીધા હતા તે પરત આપી દીધા. લતાવાસીઓ ભેગા થઈ ગયા. એકપણ રહીશે ભુઈની તરફદારી કરી ન હતી. પોલીસ વાનમાં ભુઈને પોલીસ સ્ટેશને પહોંચાડી દીધા હતા.