Surendranagar,તા.01
ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળતા બાદ અંતે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન સંભાળી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે.
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ગુરુવારે ૩૫ વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના ૦૯ વર્ષના પુત્ર દેવરાજ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ફાયર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભારે શોધખોળ કરવા છતાં અને નર્મદા વિભાગ દ્વારા પાણીની આવક બંધ કરવા છતાં પિતા-પુત્રના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ કેનાલના સાયફનમાં ફસાયા હોવાનું અનુમાન છે.
આખરે, ત્રણ દિવસ બાદ પણ સફળતા ન મળતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને જાણ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા હવે મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી પ્રયત્નશીલ છે, પરંતુ સફળતા ન મળતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

