Surendranagar,તા.06
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ૨૭ નવેમ્બરના રોજ ૩૫ વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ ૯ વર્ષી પુત્ર દેવરાજ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેમના મૃતદેહ મળ્યા નથી. ફાયર ફાઈટર, સ્થાનિક તરવૈયા અને શઘઇખની ટીમ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં ૮ ફૂટ લંબાઈ ધરાવતું નાળુ (સાયફન) છે. જેમાં બંને પિતા અને પુત્રનો મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે. પરંતુ એનડીઆરએફ ટીમ પાસે પૂરતા સંસાધનો નહીં હોવાથી નાળામાં જવું ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે, જિલ્લા કલેક્ટરના આદેશને લઈ એનડીઆરએફની ટીમે હજુ પણ મૃતદેહને શોધવાનો પ્રયત્ન યથાવત રાખ્યો છે. જોકે, પરિવારજનો અને ગ્રામજનોમાં હવે આશા ઓછી થઈ રહી છે. એક અઠવાડિયાથી મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઘટના બાદ તરત જ ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૃ કરી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બે દિવસ સુધી પાણીની આવક પણ બંધ કરવામાં આવી હતી. તેમ છતાં મૃતદેહ ન મળતાં, ત્રણ દિવસ બાદ ૩૦મી નવેમ્બરે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. એનડીઆરએફ ટીમના પાંચ દિવસના પ્રયાસ બાદ પણ મૃતદેહ મળી નહીં આવતા પરિવારજનો અને ગ્રામજનોની આશા પૂર્ણ થઈ રહી છે.

