વિદેશી સિરીઝની આ ઓફિશિયલ રિમેક છે. કોલેજકન્યાના મર્ડરનો કિસ્સો કેન્દ્રસ્થાને છે. કોંકણા સેન શર્મા સિરીઝને તારી જવામાં સિંહફાળો નોંધાવે છે
Mumbai,તા.18
‘સર્ચઃ ધ નૈના મર્ડર કેસ’ના ત્રીજા એપિસોડમાં એક પત્રકાર પોલીસ અધિકારીને પૂછે છે, ‘સર, કઈં કેસીસ મેં અપરાધી પુલિસ કી લાપરવાહી કી વજહ સે છૂટ જાતે હૈ. ઇસ બાર આપ ક્યા અલગ કર રહે હૈ?’ એક્ઝેક્ટલી આ સવાલ ઘણા દર્શકોના મનમાં ક્રાઇમ સિરીઝ જોતા પહેલાં થતો હોય છેઃ અઢળક બની રહેલી ક્રાઇમ સિરીઝ વચ્ચે એવી જ એક સિરીઝ બનાવતી વખતે એના સર્જકો એવું શું અલગ કરી રહ્યા છે કે…
…કારણ, ક્રાઇમ સિરીઝની ઓટીટી પર ભરમાર છે. ગમે તે પ્લેટફોર્મ પર જઈએ, એક અથવા બીજી ક્રાઇમ સિરીઝ મળી આવશે. અમુક તોપ જેવી તો અમુક સૂરસરિયા જેવી. જિયો હોટસ્ટારની આ લેટેસ્ટ સિરીઝ તોપ કે સૂરસૂરિયું?
ડેનિશ ક્રાઇમ સિરીઝ ‘ફોબુ્રડલ્સન’ (ધ કિલિંગ) પરથી બનેલી ‘સર્ચઃ ધ નૈના મર્ડર કેસ’માં વાત છે કોલેજકન્યા નૈના મરાઠે (ચાંદસી કટારિયા)ના મર્ડર અને તપાસની. એ પણ જાણી લો કે સિરીઝની એક કરતાં વધુ સીઝન હશે. બની શકે કે ક્રાઇમના કિસ્સા નવાનવા આવ્યે રાખશે. સિરીઝની પહેલી સીઝનના છ એપિસોડ્સ આવ્યા છે. દિગ્દર્શક રોહન સિપ્પીની સિરીઝમાં મુખ્ય કિરદાર સંયુક્તા દાસ (કોંકણા સેન શર્મા) છે. ટ્રાન્સફર પહેલાં, એસીપી તરીકે છેલ્લા દિવસે એ જવાબદારી નવનિયુક્ત એસીપી જય કંવલ (સૂર્ય શર્મા)ને સોંપે છે. ત્યાં નૈનાના ગાયબ થયાની મેટર આવે છે. તપાસમાં નૈનાનો મૃતદેહ મળી આવે છે. એ મળે છે પાણીમાં ગરકાવ પોલિટિકલ પાર્ટીની કારની ડિકીમાં. કાર છે યુવા નેતા તુષાર સુર્વે (શિવ પંડિત)ની પાર્ટીની.
નૈનાનાં માબાપ પાયલ અને ઉદ્ધવ (ઇરાવતી માયાદેવ અને સાગર દેશમુખ)ને હિચકારા ખૂનની જાણ થાય છે. તપાસ શરૂ થાય છે. અમદાવાદમાં ગૃહપ્રવેશ માટે જવા તલસતી સંયુક્તા, અને પદારૂઢ થવા થનગનતા એસીપી જય કેસની સહિયારી તપાસ કરે છે. બેઉની કાર્યપદ્ધતિ અને વિચારસરણીમાં જમીન-આસમાનનો ફરક છે. એક અનુભવી અને શાંતચિત્ત છે. બીજો ઉતાવળિયો અને નવોદિતના જોશવાળો છે. તપાસ ક્યાં સુધી પહોંચે છે એ સીઝનનો સાર છે. સિરીઝની પહેલી અને કદાચ એકમાત્ર તાકાત કોંકણા સેન શર્માનો અભિનય છે. એના વિના સિરીઝ કોને ખબર કેવીક બનત? મર્ડરના શંકાસ્પદોમાં પહેલો એનો બોયફ્રેન્ડ ઓજસ (કબીર કચરૂ) છે. પછી રાજકારણી તુષાર સુર્વે (શિવ પંડિત) વગેરે છે. તુષારનાં સાથીઓ છે રક્ષા (શ્રદ્ધા દાસ) અને સાહિલ (ધુ્રવ સેહગલ). પ્રતિસ્પર્ધી રાજકારણી પ્રદીપ (ગોવિંદ નામદેવ)ની અછડતી વાતો છે. સંયુક્તાની પર્સનલ લાઇફનો ટ્રેક પણ સમાંતર ચાલે છે. પતિ નૈના ભીષમ (મુકુલ ચઢ્ઢા), દીકરા માહી (પરી ટોંક), માતાના સંબંધોના તાણાવાણા પેશ થતા રહે છે. નૈનાના બોયફ્રેન્ડ ઓજસ, એની મિત્ર લાવણ્યા (આતિયા તારા નાયક), આરવ (અનમોલ રાવત) આવે છે. કોલેજના માહોલમાં યુવાનો વચ્ચેના સંબંધો, કામવાસનાનો વઘાર છે. અને નૈનાના પ્રોફેસર રણધીર ઝા (વરુણ ઠાકુર)નો ઉલ્લેખ પણ ખરો.
આ બધાં પછી પણ સિરીઝ સરેરાશ છે. કારણ, આંટીઘૂંટીઓ ઊભી કરવામાં એ ઓછી પડે છે. ઘટનાઓ શાબ્દિક રીતે વધુ અને દ્રશ્યાત્મક અસરકારકતા સાથે ઓછી રજૂ થઈ છે. સિરીઝનો પડદા પરનો ટોન ઘેરો છે અને આવી સિરીઝને વધુ વેધક બનાવવા માટે એ બરાબર છે. ટોનથી ખામીઓ સારી એવી દબાઈ જાય છે, ખાસ કરીને એ દર્શકો માટે જેઓને બારીકીમાં રુચિ નથી. બે એસીપી વચ્ચેનો સંબંધ કૃત્રિમ છે એ પણ ઊણપ છે. હળવી ક્ષણો માટે આ રીતે પાત્રો વિકસાવાયાં છે. બે પોલીસ અધિકારીઓ આ રીતે એકમેક સાથે વર્તે ખરા? અભિનયમાં, કોંકણા સિરીઝનો પ્રાણ છે. સૂર્ય શર્મા સરેરાશ છે. અન્ય કલાકારોનું પણ એવું છે. બની શકે કે જો પાત્રોમાં ઊંડાણ હોત, સ્પષ્ટ શેડ્સ હોત તો વાત અલગ હોત. ખાસ્સો સમય સિરીઝ જોવા ફાળવ્યા પછી પણ એવાં એક-બે દ્રશ્યો ભાગ્યે જ રહે છે જે હૈયાસોંસરવા ઊતર્યાં હોય. સંવાદો, અભિનયનું પણ એવું જ છે.
સિરીઝ લખી છે શ્રેયા કરુણાકરમ અને રાધિકા આનંદે. સિનેમેટોગ્રાફી મર્ઝી પગડીવાલાની છે. પોતાનું કામ એણે સુપેરે નિભાવ્યું છે. એડિટર અભિષેક શેઠ છે અને એનું કામ પણ વિષયોચિત છે. ડિરેક્ટર તરીકે રોહન સિપ્પીએ બેશક શક્ય તેટલી સારી રીતે વાત માંડવાની કોશિશ કરી છે.
‘સર્ચઃ ધ નૈના મર્ડર કેસ’ એમના માટે છે જેઓની પસંદ ક્રાઇમ સિરીઝ છે. અથવા કોંકણાના ચાહકો છે. એમને પણ એક સમસ્યા નડવાની કે સિરીઝના છ એપિસોડ્સ ચોખ્ખા ક્લાઇમેક્સ વિના પતે છે. નૈનાનું મર્ડર કોણે કર્યું એ પ્રશ્નનો જવાબ હવે પછીની સીઝનમાં મળશે. આ રીતે સીઝન રિલીઝ કરવાનો પ્રયોગ કેવોક સફળ થશે એ પહેલી સીઝનની સફળતા જણાવશે.