New Delhi, તા.24
સિક્યોરીટી એન્ડ એક્સચેંજ બોર્ડના વડા માધવી પુરી બુચ આજે સંસદની જાહેર હિસાબ સમિતિમાં હાજર ન થતાં હવે તેમને ફરી એક વખત સમન્સ પાઠવવામાં આવશે. હિડનબર્ગે સર્જેલા વિવાદના પગલે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલનના અધ્યક્ષપદ હેઠળ જાહેર હિસાબ સમિતિએ આજે માધવી પુરી બુચને કમીટી સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો.
પરંતુ તેમણે વ્યકિતગત કારણોસર આજે હાજર થઇ શકશે નહીં તેવું જણાવ્યું હતું. શ્રી વેણુગોપાલને કહ્યું કે અમે સેબીના કામકાજની સમીક્ષા કરી રહ્યા છીએ અને તેથી તેમની હાજરી જરુરી હતી પરંતુ તેઓએ આજે હાજર રહી શકે નહીં તેથી મુક્તિ આપવા વિનંતિ કરી હતી તે સ્વીકારી લેવાય છે અને અમે બેઠક સ્થગિત કરી છે.
હવે ફરી એક વખત તેમની સાથે આ મુદ્દે વાત કરીને બેઠક બોલાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હિડનબર્ગે અદાણી ગ્રુપને નિશાન બનાવ્યા બાદ સેબીના વડાને પણ નિશાન બનાવ્યા હતા. જો કે બાદમાં સેબીએ તેની તપાસમાં માધવી પુરી બુચને ક્લીનચીટ આપી હતી.