New Delhi, તા.5
જીએસટીમાં ક્રાંતિકારી સુધારા બાદ હવે કેન્દ્ર સરકાર વધુ એક રાહત આપવાનો પ્લાન તૈયારી કરી રહી છે. ટ્રમ્પના ટેરિફથી મુશ્કેલીમાં સપડાયેલા નિકાસકારોની તકલીફ દુર કરવા માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે.
ટેકસટાઈલ્સ, ડાયમંડ તથા જવેલરી જેવા ક્ષેત્રો માટે ખાસ યોજના જાહેર કરાશે. આ પેકેજથી નાના નિકાસકારોની, મુશ્કેલી દુર થવા ઉપરાંત નોકરીઓ બચાવવા તથા નવા માર્કેટની શોધમાં મદદરૂપ બનશે.
કોવિડકાળ દરમ્યાન એમએસએમઈને બચાવવા માટે જે મદદ કરવામાં આવી હતી. તે જ ધોરણે આ રાહત પેકેજ આપવામાં આવશે. માહિતગાર સૂત્રોએ કહ્યું કે ટ્રમ્પના ટેરિફની હવા કાઢી નાખતુ આ રાહત પેકેજ તુર્તમાં જાહેર થશે. 50 ટકા ટેરિફથી પ્રભાવિત ટેકસટાઈલ્સ ડાયમંડ જવેલરી જેવા ક્ષેત્રોને મોટી રાહત અપાશે.
સાથોસાથ બજેટમાં જાહેર કરાયેલ એકસપોર્ટ પ્રમોશન મિશન પણ ઝડપથી લાગુ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તેનાથી ભારતનો વૈશ્વિક વ્યાપાર પણ મજબૂત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તાજેતરમાં ભારતીય નિકાસ પર 50 ટકાનો ટેરિફ ઝીંકયો છે. તેમાંથી 25 ટકા ભારત દ્વારા રશિયામાંથી કરાતી ક્રુડતેલની આયાતને કારણે નાખવામાં આવ્યો છે. ડાયમંડ, જવેલરી, ટેકસટાઈલ્સ, લેધર, પગરખા, કોમીકલ્સ, કૃષિ, એન્જીનીયરીંગ સામાનની નિકાસ પ્રભાવિત થઈ છે. નિકાસ ઘટાડા સામે નવી માર્કેટ ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.