Ahmedabad,તા.૨૮
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં દેશની વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એજન્સી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ચીફને ‘ઝેડ કેટેગરી’ની સીઆરપીએફ સુરક્ષા આપવામાં આવી છે. આનો મતલબ એ છે કે હવે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના ચીફની સુરક્ષા માટે કેન્દ્રીય દળના જવાનો તૈનાત રહેશે. આ નિર્ણય વિમાન સુરક્ષાની તપાસ પ્રક્રિયા અને અધિકારીઓની સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હવે સંયુક્ત રાષ્ટ્રની એવિએશન સંસ્થા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના એક એક્સપર્ટને સામેલ કરવામાં આવ્યા છે. ભારતે આઇસીએઓના એક્સપર્ટને તપાસમાં નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. દુર્ઘટનાના બીજા જ દિવસે એટલે કે ૧૩ જૂનના રોજ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ શરૂ કરી હતી.
૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં-૧૭૧, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી, તે ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ વિમાન બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતું, જે મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું હતું.
આ દુર્ઘટનામાં ૨૭૦ લોકોના મોત થયા હતા, જેમાં ૨૪૧ પેસેન્જર અને ક્રૂ મેમ્બર સામેલ હતા. પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. તો હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ પણ જીવ ગુમાવ્યા હતા.