રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ૫૦% ટેરિફ લાદીને ભારતને રશિયાથી દૂર કરવાના પ્રયાસ અને વિશ્વને ટેરિફના નામે અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન મામલે રશિયાને યુદ્ધનો અંત લાવવા મનાવવામાં હાલ તુરત નિષ્ફળ રહ્યા હોવા સામે રશીયા, ચાઈના એક બનીને અમેરિકાને હંફાવવા રણનીતિ ઘડી રહ્યા હોઈ અમેરિકાની વધતી અકળામણ વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી જોવા મળી હતી.
ભારતને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને રાહત આપવા જીએસટી દરોના સરળીકરણ સાથે ઘટાડાના આપેલા સંકેત અને બીજી તરફ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને રશીયા સહિતના દેશોના સંગઠન સાથે દ્વિપક્ષી વેપાર વધારવાને મહત્વ આપતાં અને ચાઈના સાથે સંબંધો સુધારવાના પોઝિટીવ પરિબળે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ મીટિંગની મિનિટસ પરથી સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં આવે તેવી ધારણાં મજબૂત બનતા ડોલરની માંગમાં વધારાને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અનિશ્ચિતતાને પરિણામે ક્રુડઓઈલમાં સ્પષ્ટ દિશા નહીં જણાતા નવા કામકાજ કરવાથી ટ્રેડરો દૂર રહેતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
અમેરિકાએ ભારત પર ૫૦% ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે સફળ થવાની શક્યતા ઓછી છે. ઈવાય દ્વારા ઑગસ્ટ માસમાં જાહેર કરાયેલા ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ૨૦૩૮ સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે સમયે ભારતનો જીડીપી આશરે ૩૪.૨ લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે. હાલ ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતનો વિકાસ ફક્ત વસ્તી આધારિત નથી, પરંતુ માળખાકીય સુધારાઓ, સ્થિતિસ્થાપક મૂળભૂત પાયા અને આંતરિક માંગના કારણે મજબૂત બન્યો છે. સ્થાનિક માગમાં સતત વધારો અને આધુનિક ટેકનોલોજીની વધતી ક્ષમતાઓ ભારતને ઝડપી વિકાસ તરફ દોરી રહી છે.
ઈવાયના અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી ૨૦.૭ લાખ કરોડ ડોલર સુધી પહોંચી શકે છે. ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૨.૨ લાખ કરોડ ડોલરનો જીડીપી હાંસલ કરી શકે છે, પરંતુ વૃદ્ધોની વધતી વસ્તી અને વધતા દેવાના ભારને કારણે તેને પડકારોનો સામનો કરવો પડશે. બીજી તરફ અમેરિકા પર વધેલા ટેરિફને કારણે મોંઘવારીનો બોજ વધશે અને તેની જીડીપી મંદ પડી શકે છે. જર્મની અને જાપાન વૈશ્વિક વેપાર પર વધુ નિર્ભર છે, જ્યારે ભારત પાસે યુવા વસ્તી, સ્થાનિક માંગ અને ટકાઉ રાજકોષીય આઉટલૂકના કારણે વધારે ક્ષમતાઓ છે. ભારતની યુવા વસ્તી, કુશળ કાર્યબળ, મજબૂત બચત અને રોકાણ ક્ષમતાઓ તેમજ ટેક્નોલોજીના વિકાસને કારણે ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી, ફાઇનાન્સ, સંરક્ષણ અને કન્યુમર માર્કેટમાં ભારતની પકડ મજબૂત થતી જાય છે, જે તેને વિશ્વનું મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર બનાવશે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬,૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪,૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭,૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી તેમજ ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૩,૩૪૦.૯૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭,૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮,૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી તેમજ ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૩૮,૫૯૦.૨૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ તેમની નીતિઓએ વૈશ્વિક રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને ભારત પ્રત્યેના અણગમાને કારણે વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચીને ચીન તથા હોંગકોંગ જેવા અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યાં છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેન્દ્રિત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફ્લો છે. આ પરિસ્થિતિએ શેરબજારમાં દબાણ ઉભું કર્યું છે. ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની જીત પછીથી ભારતમાંથી અંદાજીત ૩.૭ અબજ ડોલરનો આઉટફ્લો થયો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઈન્ફ્લો નોંધાયો છે. આ વલણ ૨૦૨૪ના પ્રથમ અડધા વર્ષથી તદ્દન વિપરીત છે, કારણ કે તે સમયે ભારત તરફ ૨૯ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો હતો.
જોકે, સ્થાનિક ફંડોની મજબૂત ખરીદીના કારણે વિદેશી વેચાણનો પ્રભાવ થોડો હળવો રહ્યો છે. આવતા સમયમાં અમેરિકાના ૫૦% ટેરિફનો પ્રભાવ પણ મહત્વનો રહેશે. રિઝર્વ બેન્કે પહેલેથી જ રેપો રેટ ૧% ઘટાડીને ૫.૫૦% સુધી લાવ્યો છે અને ભવિષ્યમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી ન કરીને રૂપિયાને નબળો પડવા દેવાની સંભાવના છે. આ પગલાં નિકાસકારોને રાહત આપી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે ક્રુડ ઓઈલના ભાવ નીચે છે અને આયાતી ફુગાવાનું જોખમ મર્યાદિત છે. વિદેશી દબાણ છતાં ભારતની અર્થવ્યવસ્થા કેટલીક મજબૂતાઈઓ ધરાવે છે. સેવા ક્ષેત્રની નિકાસ, ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તર અને ૬૯૫ અબજ ડોલરના ફોરેક્સ રિઝર્વના ટેકાથી ભારતનું બહારી ક્ષેત્ર મજબૂત છે. આવનારા વર્ષોમાં ભારત ત્રીજા મોટા અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ્સ તથા એમએસએમઈ જેવા ક્ષેત્રો પર ટેરિફની અસર પડવાની શક્યતા રહેલી છે.
એકંદરે જોવામાં આવે તો ભારતીય શેરબજારની ભાવી દિશા વિદેશી રોકાણકારોના વલણ, અમેરિકાની ટેરિફ નીતિઓ અને રિઝર્વ બેન્કના પગલાં પર નિર્ભર રહેશે. સ્થાનિક ફંડોની મજબૂત ખરીદી બજારને સ્થિરતા આપી શકે છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બે તરફી અફડાતફડી યથાવત રહેશે. રોકાણકારોએ આગામી ત્રિમાસિક સમયગાળામાં સાવધાનીપૂર્વક પગલાં ભરવાની જરૂર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)સિપ્લા લિમિટેડ (૧૫૯૫) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૭૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)એચસીએલ ટેકનોલોજી (૧૪૬૨) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૮ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૬૪) : રૂ.૧૩૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૮ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪)એસબીઆઇ લાઇફ (૧૮૧૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫)ઇન્ફોસીસ લિ. (૧૪૭૫) : રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૫૦ થી રૂ.૧૪૩૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) ICICI બેન્ક (૧૪૦૬) : પ્રાઇવેટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૫ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૩૪)ઃ અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૮ થી રૂ.૩૫૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)ઇન્ડસ ટાવર્સ (૩૩૦)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૬૦નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)મોઇલ લિ. (૩૨૩)ઃ રૂ.૩૦૮ નો પ્રથમ તેમજ રૂ.૨૯૮ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૭ થી રૂ.૩૫૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)ડીબી કોર્પ (૨૫૪)ઃ પ્રિન્ટ મીડિયા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૪ થી રૂ.૨૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૩૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫)એનએલસી ઇન્ડિયા (૨૧૬) : રૂ.૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)હેડલબર્ગ સિમેન્ટ (૧૯૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૭ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)ગેઇલ ઇન્ડિયા લિ. (૧૬૫) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૭૪ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)બંધન બેન્ક (૧૫૫) :ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઝોડિયાક કલોધિંગ કંપની (૯૦) : ગાર્મેન્ટ્સ એન્ડ એપરેલ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૬ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઇઝર્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂા. ૮૦ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩)ઓસવાલ એગ્રો મિલ્સ (૭૩) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુટર સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે થી રૂ.૭૮ થી ૮૫ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)સાંધી ઇન્ડસ્ટ્રીઝ (૫૭) : રૂ.૫૦ ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૨ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
ટેરિફ છતાં કોર્પોરેટ બોન્ડ્સ સુરક્ષિત – બાર્કલેઝનો આશાવાદ
અમેરિકાએ ભારતીય માલસામાન પર કુલ ૫૦% ટેરિફ બુધવારથી લાગુ કર્યો છે. તેની સીધી અસર કાપડ, રત્નો અને ઝવેરાત સહિતના અનેક સ્થાનિક ઉદ્યોગો પર પડવાની ધારણા છે. આ પડકારજનક પરિસિ્થતિ વચ્ચે પણ બાર્કલેઝ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે વધેલા ટેરિફ છતાં ભારતીય કોર્પોરેટ ક્રેડિટ મજબૂત રહેશે.
બાર્કલેઝના આંકડા અનુસાર ભારતીય નિકાસ પર ટ્રેડ વેઇટેડ ટેરિફ દર હાલના ૨૦.૬% પરથી વધીને ૩૫.૭% થઈ જશે અને ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦% ટેરિફ અમલમાં આવશે. આ દર ૨૦૨૫ની શરૂઆતમાં માત્ર ૨.૭% હતો. બીજી તરફ, ભારત દ્વારા અમેરિકન આયાત પર લાગુ ટેરિફ ૯.૪% જ રહેશે. પરિણામે બંને દેશો વચ્ચેનું વેપાર અસંતુલન દાયકાઓના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
રિપોર્ટ મુજબ લગભગ ૫૫ અબજ ડોલરની ભારતીય નિકાસ હવે સીધા જોખમ હેઠળ આવી ગઈ છે, જે અમેરિકામાં થતા કુલ શિપમેન્ટના આશરે ૭૦% જેટલું છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો-ઝવેરાત, કાપડ અને મશીનરી પર સૌથી વધુ ટેરિફ વધારો લાગ્યો છે. જોકે સ્માર્ટફોન, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ હાલમાં આ વધારાથી મુક્ત છે.
નિકાસને લાગેલા આંચકાની છતાં કોર્પોરેટ દેવા પર અસર મર્યાદિત રહેશે તેવી ધારણા છે. બાર્કલેઝના વિશ્લેષકોનું માનવું છે કે ઉચ્ચ ક્વોલિટી ધરાવતા ધિરાણ પર સ્પ્રેડમાં કામચલાઉ વધારો થઈ શકે છે, પરંતુ મજબૂત કોર્પોરેટ ફંડામેન્ટલ્સ અને સ્થાનિક ભંડોળની ઉપલબ્ધતા લાંબા ગાળે જોખમને મર્યાદિત રાખશે.
તેમ છતાં, નિકાસ આધારિત કેટલીક કંપનીઓ માટે જોખમ ઊભા થયા છે. ઉદાહરણ તરીકે, બાયોકોન બાયોલોજિક્સની આવકનો ૪૪% હિસ્સો અમેરિકામાંથી આવે છે. જો ટ્રમ્પના સંકેત પ્રમાણે ફાર્માસ્યુટિકલ પર ટેરિફ ૨૦૦% સુધી વધી જાય, તો કંપની મધ્યમથી ઊંચા જોખમમાં આવી શકે છે. તે જ રીતે, જેએસડબલ્યુ સ્ટીલના અમેરિકન પ્લાન્ટો માર્જિન પર દબાણનો સામનો કરી શકે છે, જ્યારે ટાટા સ્ટીલનું જોખમ મર્યાદિત છે.
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો : ભારતીય ફંડોમાં મોટાપાયે ઉપાડ…!!
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભારત પ્રત્યેના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચી અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યાં છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેનિ્દ્રત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફલો છે. બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું તાજું રોકાણ નોંધાયું છે. આ પરિવર્તન વૈશ્વિક રોકાણકારોની પ્રાથમિકતાઓમાં મોટો ઉલટફેર દર્શાવે છે, કારણ કે ૨૦૨૩-૨૪ દરમિયાન ભારત તરફ ઈન્ફ્લો જોરશોરથી ચાલતો હતો. આઉટફ્લોનું વલણ ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ પર જીત પછી તેજ બન્યું છે.ટ્રમ્પની તાજપોશી બાદથી ભારતમાંથી કુલ ૩.૭ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો છે. આ વલણ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમય ગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો હતો અને ચીનમાંથી ૨૬ અબજ ડોલરનો આઉટફલો થયો હતો. એલારા કેપિટલના અહેવાલ મુજબ તાજેતરના ૧.૮ અબજ ડોલરના આઉટફ્લોમાંથી ૧ અબજ ડોલર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) માંથી અને ૭૭૦ મિલિયન ડોલર એક્ટિવ ફંડોમાંથી પરત ખેંચાયા છે. એપ્રિલ ૨૦૨૫માં ટ્રમ્પના ટેરિફ ડર પછી મોટાભાગનો ઈન્ફ્લો ઇટીએફમાં જ કેન્દ્રિત હતો, પરંતુ ઓક્ટોબરથી લાંબા ગાળાના ફંડોમાં સતત આઉટફ્લો જોવા મળી રહ્યો છે. વિઝડમટ્રી, ઇન્વેસ્કો, શ્રોડર, અમુન્ડી અને ફ્રેન્કલિન ઇન્ડિયા જેવા મોટા વૈશ્વિક ફંડોમાં ખાસ કરીને લાર્જ-કેપ કેન્દ્રિત ફંડોમાંથી ભારે ઉપાડ નોંધાયો છે. જોકે, સ્થાનિક ફંડો દ્વારા થયેલી મજબૂત ખરીદીના કારણે આ વેચાણનો અસરકારક પ્રભાવ થોડીક અંશે ઓછો રહ્યો છે. નોમુરાના અહેવાલ મુજબ, ઉભરતા બજારના ૪૫ મોટા ભંડોળના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જુલાઈમાં ભારતમાં રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટ્યું છે. કુલ ૪૧ ફંડોએ તેમનો હિસ્સો ઘટાડ્યો હતો. પરિણામે, ભારત હવે એમએસસી આઈ ઈમજીર્ંગ માર્કેટ ઈન્ડેક્સની તુલનામાં ૨.૯% અન્ડરવેઈટ બની ગયું છે. જુલાઈ સુધીમાં ૭૧% ફંડો ભારત પ્રત્યે અન્ડરવેઈટ રહ્યા, જ્યારે જૂનમાં આ આંકડો માત્ર ૬૦% હતો. બીજી તરફ, હોંગકોંગ, ચીન અને દક્ષિણ કોરિયા જેવા બજારોમાં અનુક્રમે ૮૦, ૭૦ અને ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં નવા રોકાણકારોની સંખ્યા ૭ લાખ પર પહોંચી…!!
જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નવા રોકાણકારો ઉમેરવાની ગતિ છ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. મહત્વનું એ છે કે ગત મહિને મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાનારા નવા રોકાણકારોની સંખ્યા ૭ લાખ પર પહોંચી છે. નવા રોકાણકારોના ઉમેરા પાછળ ઈન્ડસ્ટ્રીમાં નવા ફંડ ઓફરિંગ (એનએફઓ)ની વધુ સંખ્યાનો મહત્વનો ફાળો રહ્યો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબરની નોંધણી દ્વારા જુલાઈ, ૨૦૨૫ના અંત સુધીમાં યુનિક ફંડ ઈન્વેસ્ટર્સની કુલ સંખ્યા ૫.૫૯ કરોડ પર પહોંચી ગઈ છે. શેરબજારમાં સુસ્તી વચ્ચે છ મહિનાની મંદી પછી જુલાઈમાં રોકાણકારોની સંખ્યામાં ફરી વધારો થયો છે.
૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષે સમાન સમય ગાળામાં લગભગ ૧૨ ટકાનો વધારો થયો હતો. નિષ્ણાંતો મતે રોકાણકારોના જોડાવાની ગતિ ઇક્વિટી માર્કેટના પરફોર્મન્સ અને નવા ફંડ ઓફરિંગ પર આધાર રાખે છે. જુલાઈમાં ૩૦ સ્કીમોએ તેમના એનએફઓ પૂર્ણ કરી રેકોર્ડ રૂ.૩૦,૪૧૬ કરોડ એકત્ર કર્યા હતા.
નિકાસકારોને ટેકો આપવા રૂપિયો નબળો પડે તેવી શકયતા : RBI
અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી એમ કરન્સી બજારના એક ટ્રેડરે જણાવ્યું હતું. રૂપિયામાં નબળાઈની સ્થિતિમાં નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. ભારતની સરખામણીએ તેના એશિયામાંના હરિફ દેશોના માલસામાન પર અમેરિકાએ ૨૦થી ૪૦ ટકા વચ્ચે ટેરિફ જાહેર કરી છે. સ્પર્ધામાં ટકી રહેવા ટેરિફના આ તફાવતમાંથી માર્ગ કાઢવાનું ભારત માટે જરૂરી બની રહે છે. આ માર્ગોમાં સબસીડી, ધિરાણ દરમાં ઘટાડો તથા રૂપિયાનું એડજસ્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરતી રહે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને જોતા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરવાનું ટાળી ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તો નવાઈ નહીં ગણાય એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. હાલમાં ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે છે અને ખાધ્ય પદાર્થોની કિંમતી પણ નિયંત્રણ હેઠળ હોવાથી રૂપિયામાં ઘસારાથી આયાતી ફુગાવાનું જોખમ ઘણું જ મર્યાદિત રહેશે તેવી પણ રિઝર્વ બેન્ક ગણતરી મૂકી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.