Ahmedabad,તા.1
એક સિનિયર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટની કોર્ટ સમક્ષ ગત. તા. 26 જૂનના રોજ ઓનલાઇ હાજર રહ્યા હતા તે વખતે સુનાવણી દરમિયાન બીજા સાથો વાતો કરતા અને બીયરના મગમાં પીણું પીતા રેકોર્ડ થતા આ બાબતની ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એ. એસ. સુપેહીયા અને આરટી વાચ્છાણીની ખંડપીઠે ગંભીર નોંધ લઇને તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી.
ખંડપીઠે આ વર્તણૂકને “અપમાનજનક અને ચોંકાવનારા” ગણાવીને સ્વયં નોંધ લઇને અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ કર્યો છે. એટલું જ નહિ તેની રજીસ્ટ્રીને વિડીયોમાં વર્તણૂક બાબતનો અહેવાલ તૈયાર કરીને બે સપ્તાહ બાદ કેસની વધુ સુનાવણી દરમિયાન રજૂ કરવાનો આદેશ કર્યું છે.
એટલું જ નહિ આ એડવોકેટને સિનિયર એડવોકેટ તરીકેનું પદ આપવામાં આવેલું છે તે પણ પાછું ખેંચવાનો નિર્ણય જો આગામી સમયમાં યોગ્ય જણાશે તો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ ઘટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બેન્ચ સમક્ષ બની હતી, અને ત્યારબાદ તેની એક વિડિઓ ક્લિપ વ્યાપકપણે સોશિયલ મિડીયામાં પ્રસારિત થઈ હતી. આ કૃત્યની સખત નિંદા કરતા, ન્યાયામૂર્તી એએસ સુપેહિયા અને ન્યાયમૂર્તિ આરટી વાછાણીની ડિવિઝન બેન્ચે ટિપ્પણી કરી હતી કે, આવા વર્તનથી ન્યાયિક પ્રણાલી અને કાયદાના શાસન પર “વ્યાપક અને ગંભીર પરિણામો” આવી શકે છે.
તેણે અવલોકન કર્યું કે જો “સંસ્થાના ગૌરવ અને ગરિમાને નુકસાન પહોંચાડતું” વર્તન ઉપર જો ધ્યાન ના આપવામાં આવે અને ચલાઇ લેવામાં આવે તો તે સંસ્થાકીય સત્તાના પતન તરફ દોરી શકે છે.
આ કૃત્યના કારણે યુવાન વકીલોના માનસ ઉપર પણ પ્રભાવ પડી શકે છે કારણ કે હંમેશા તેઓ સિનિયર એડવોકેટને પોતાના રોલ મોડલ અને મેન્ટોર માનતા હોય છે. ત્યારે વરિષ્ઠ વકીલનું આવું ’અપમાનજનક વર્તન’ “નિ:શંકપણે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા વરિષ્ઠ વકીલના વિશેષાધિકારનો ભંગ કરે છે”.
વરિષ્ઠ વકીલ તરીકેના વકીલના હોદ્દા પર પુનર્વિચાર કરી શકાય છે તે દર્શાવતા, કોર્ટે ઉમેર્યું હતું કે જો જરૂરી હોય તો તે યોગ્ય તબક્કે યોગ્ય આદેશો પસાર કરશે, અને ત્યાં સુધી, તેમને ઓનલાઇન પ્રસ્તુત બેન્ચ સમક્ષ હાજર થવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
કોર્ટે રજિસ્ટ્રીને રિપોર્ટ બનાવવા અને વીડિયો સાચવીને રાખવાનો નિર્દેશ આપ્યો છે. રજિસ્ટ્રીને આદેશ મુખ્ય ન્યાયાધીશના ધ્યાન પર લાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.