Gir,તા.25
તાંઝાનિયાનાં સેરેનગેતી નેશનલ પાર્કમાં આફ્રિકન સિંહો તેમનો 88 ટકા સમય આરામ કરવામાં અને શાંત રહીને વિતાવે છે જયારે એશિયાટીક સિંહો માત્ર 63 ટકા જ આરામ કરવામાં વિતાવે છે.
“શિકાર અને ક્લેપ્ટોપેરાસિટિઝમની પ્રવૃત્તિનાં સંબંધમાં એશિયાટિક સિંહોની પ્રવૃત્તિ” શીર્ષકવાળાં અભ્યાસમાં સંશોધકોએ ગીરનાં શિકારીઓની દિનચર્યાઓનો અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસમાં કૌશિક બેનર્જી, ચિત્તરંજન દવે, કાર્તિકેય સિંહ ચૌહાણ, શોમેન મુખર્જી અને યાદવેન્દ્રદેવ ઝાલાનો સમાવેશ કરતી સંશોધન ટીમે શોધી કાઢ્યું હતું કે ગીરનાં સિંહો તેમનાં દિવસનો લગભગ 40 ટકા સમય વિવિધ પ્રવૃત્તિઓમાં વિતાવે છે, જે સેરેનગેતીનાં સિંહો કરતાં તદ્દન વિપરીત છે. જ્યારે સેરેનગેટી સિંહો તેમનો માત્ર 12 ટકા સમય ફરવા પર વિતાવે છે 8 ટકા મુસાફરીમાં અને 4 ટકા શિકાર કરવામાં વિતાવે છે
બેનર્જીએ કહ્યું કે, ગીરમાં આ અભ્યાસ લગભગ બે દાયકાથી ચાલી રહ્યો છે, જે સિંહોનાં જીવનકાળની ડોક્યુમેન્ટરી માટે પૂરતો છે. સમાન અભ્યાસો સેરેનગેતી પ્રદેશમાં લાંબા સમય સુધી હાથ ધરવામાં આવ્યો હતો, જેનાથી હવે અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં સિંહો વચ્ચે સરખામણી કરી શકાય છે.
અભ્યાસમાં ગીરનાં સિંહો રાત્રે વધુ શિકાર કરે છે જ્યારે સેરેનગેતી સિંહો સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે અને સવારે 8 વાગ્યા પહેલાં શિકાર વધુ કરે છે. શિકાર કરવામાં પણ સેરેનગેતીના સિંહો કરતાં સિંહણો વધુ શિકાર કરે છે જયારે ગીરમાં બંને સાથે શિકાર કરે છે.
અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે, ગીરનાં નર સિંહો માદા કરતાં તેમનાં પ્રદેશમાં 23 ગણાં વધુ પેટ્રોલિંગ કરે છે, જ્યારે સિંહણ નર કરતાં વધુ દિવસની પ્રવૃત્તિઓ કરે છે. સેરેનગેતીનાં સિંહો ત્યાંનાં ઉચ્ચ તાપમાનને કારણે દિવસ દરમિયાન વધુ આરામ કરે છે.
સેરેનગેતી લગભગ 4000 સિંહોનું ઘર
ગીરનાં નર સિંહો તેમનાં સેરેંગેતી સમકક્ષો કરતાં વધુ વારંવાર શિકાર કરે છે આ અલગતા શિકારની પેટર્નને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત, નર સેરેનગેતીનાં સિંહો અન્ય સભ્યો પર પ્રભુત્વ ધરાવે છે અને વધુ ખોરાક તે લઈ જાય છે. પૂર્વ આફ્રિકાનાં તાંઝાનિયામાં આવેલાં સેરેનગેટી નેશનલ પાર્કએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેમાં અંદાજે 4000 સિંહો છે.
2020ની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 674 સિંહો છે જેમાં 161 પુખ્ત નર, 260 પુખ્ત માદા, 45 નર, 49 માદા કિશોરો અને 137 બચ્ચાં નો સમાવેશ થાય છે. અભ્યાસ મુજબ સેરેનગેતીનાં સિંહો ખોરાક માટે ભેંસો પર વધુ આધાર રાખે છે જયારે પણ આ ભેંસો ખતરો અનુભવે છે તે ખતરનાક બની જાય છે તેથી આ પડકારજનક શિકાર બનાવે છે. તેથી ત્યાંનાં સિંહો બીજા પશુઓનો શિકાર કરતાં થયાં છે
ગીરનાં સંરક્ષિત વિસ્તારમાં સિંહો દિવસ દરમિયાન પણ શિકાર કરે છે, જ્યારે લોકો તેમનાં પશુઓને ચરાવવાં લઇ જાય છે તે દરમિયાન સિંહો તેમનો શિકાર કરે છે. આ તારણો 16 રેડિયો કોલરવાળાં સિંહોનાં અવલોકનમાંથી બહાર આવ્યાં છે.