Ahmedabad,તા.૨૪
ગુજરાતમાં રવિવારના રોજ ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. નવસારીમાં ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવવા પામ્યા છે.
નવસારીના મરોલીમાં ડમ્પર ચાલકે રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મરોલી ચાર રસ્તા નજીક વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મરોલી ચાર રસ્તાથી મરોલી ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પરની ઘટના બનવા પામી હતી. પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે.પોરબંદર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. ફલાઈઓવર બ્રિજ પર એક અજાણ્યા કારચાલકે સ્કૂટરને ટક્કર મારી નાસી જવાની ઘટના ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં નોંધાઈ છે. આ દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર આશાબેન મસાણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાળા કલરની જીજે૨૫ બીએ ૪૦૯૨ નંબરની કારએ બ્રિજ પર ઝડપે સ્કૂટરને ટક્કર મારી હતી. કારચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકોના પરિવારજનો દ્વારા મળેલી માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે ઉદ્યોગનગર પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે.પોલીસ દ્વારા કારના માલિક તથા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તબીબી તપાસ અને પોસ્ટમોર્ટમ માટે આશાબેનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહેસાણામાં બેફામ પીકઅપ ડાલાની અડફેટે રાહદારીનું મોત નિપજ્યું હતું. તોરણવાળી માતાના ચોક નજીક રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીકઅપ ડાલા નીચે રાહદારી આવી જતા ઢસડાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જવા પામ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિને થાળે પાડી હતી. સમગ્ર મામલે એ ડિવીઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.