ઘરમાં ચાર જેટલાં લોકો કામ કરતા હતા, જેમાંથી એક ઘરઘાટીએ તેમના બેડરૂમની તિજોરીને નિશાન બનાવી હતી
Ahmedabad,તા.૧૮
Ahmedabadના પાલડીમાં એક કાપડના વેપારીના ઘરમાં જ કામ કરતા એક નોકરે માલિકનો વિશ્વાસ તોડીને ઘરમાં હાથફેરો કર્યો હતો અને અંદાજે રૂપિયા ૪૯.૬૨ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન ૭ એલસીબીની ટીમે ચોરીમાં સાથ આપનારા બાબુલાલ મીણા નામના મૂળ રાજસ્થાનના એક સાગરીતની ધરપકડ કરી લીધી છે.
પાલડીમાં કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખના દાગીના અને રોકડની ચોરી કરનાર નોકરનો સાગરીત ઝડપાયો છે. પોલીસે સાગરીત પાસેથી ચોરાયેલા મુદ્દામાલ પૈકી ૭૦ ટકા જેટલો માલ પરત મેળવ્યો છે. નોકરનો સાગરીત મુખ્ય આરોપી કમલેશ મીણાને ચોરીની ઘટનામાં સાથ આપતો હતો. હાલ પોલીસ ફરાર કમલેશ મીણાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ ચોરીની ઘટના પાલડીમાં રહેતા અને સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડનો બિઝનેસ કરતાં ૨૮ વર્ષીય કરણ હેતલભાઈ શાહના ઘરે થઈ હતી. તેમના ઘરમાં ચાર જેટલાં લોકો કામ કરતા હતા, જેમાંથી એક ઘરઘાટીએ તેમના બેડરૂમની તિજોરીને નિશાન બનાવી હતી. જેમાં પત્નીના પર્સમાંથી રૂપિયા ગાયબ થતાં તેમને શંકા ગઈ હતી અને ત્યારબાદ તિજોરી તપાસતા ૪૯.૬૨ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ગાયબ હોવાની જાણ થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની અને ફરિયાદીના ઘરે ગત માર્ચ ૨૦૨૬થી કામ કરતો કમલેશ મીણા નામનો નોકર આ ચોરીનો મુખ્ય સૂત્રધાર છે. તેણે ગત ૯ જુલાઈથી ૧૩ જુલાઈ દરમિયાન માલિકના બેડરૂમના કબાટોની ચાવી મેળવી લીધી હતી. આ પછી તેણે કબાટ ખોલી અને પત્નીના પર્સમાંથી કુલ રૂપિયા ૧,૪૬,૦૦૦ રોકડા ઉપરાંત હીરાજડિત સેટ, બંગડીઓ અને બુટ્ટી સહિત અંદાજે ૬૦૨ ગ્રામ સોનાના અલગ-અલગ દાગીના સહિત કુલ ૪૯,૬૨,૦૦૦ની ચોરી કરી હતી.
સમગ્ર કેસ મામલે ઝોન ૭ ડીસીપીએ જણાવ્યું હતું કે, ’ગત ૧૩ જુલાઈના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં નોકરે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વ્યાપારીના ઘરે કમલેશ મીણા નામનો શખસ ત્રણેક મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી પાસે બેડરૂમના કબાટની ચાવી હતી. જેના વડે તેણે કટકે-કટકે આશરે ૪૯,૬૨,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં ૪૮,૧૬,૦૦૦ના ૩૭ જેટલાં દાગીના અને ૧,૪૬,૦૦૦ રોકડ રકમનો સમાવેશ થાય છે. ફરિયાદીના ઘરે કામ કરતા સલૂમ્બરના અન્ય નોકરના સંપર્કથી કમલેશને કામે રાખવામાં આવ્યો હતો, પરંતુ તેનું કોઈ પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું ન હતું. જ્યારે ફરિયાદીને શંકા ગઈ ત્યારે તેમણે સર્વન્ટ રૂમ ચેક કરતાં ત્યાંથી તેમના જ રોકડા રૂપિયા મળી આવ્યા અને ત્યારબાદ કબાટની તપાસ કરતા આ મોટી ચોરીનો ખુલાસો થયો હતો.’
ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, ’ચોરીની ઘટના મામલે પાલડી પોલીસ અને એલસીબી ઝોન ૭ની અલગ-અલગ ટીમો તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે દાગીનાના રિસીવરની ભૂમિકા ભજવનાર મુખ્ય આરોપી કમલેશના મિત્ર બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. જો કે, કમલેશ પકડાવાના ડરે બધો મુદ્દામાલ બાબુલાલને આપીને ફરાર થઈ ગયો હતો. આમાં ચોરાયેલી વસ્તુઓ સલૂમ્બરમાં કોલેજ કરતા કમલેશના ભત્રીજા ગૌતમને પહોંચાડવાનું કામ બાબુલાલને સોંપવામાં આવ્યું હતું. પોલીસે બાબુલાલ પાસેથી કુલ ૨૬,૧૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં ૨૫,૪૨,૦૦૦ના દાગીના અને ૧૭,૦૦૦ જેટલા રોકડા છે. આરોપીઓએ આર્થિક ફાયદા અને સરળતાથી પૈસા મેળવવાની લાલચમાં જ આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અમે બાબુલાલની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી કમલેશ અને ગૌતમને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.’

