Ahmedabad,તા.07
સોસાયટી અંગેના કાનૂનમાં એક મહત્વના ચૂકાદામાં કોર્ટ ઓફ બોર્ડ ઓફ નોમિની એ સ્પષ્ટ કર્યુ હતું કે સર્વિસ સોસાયટીને તેના રહેવાસીની મિલ્કત પર કોઈ અધિકાર નથી અને તે ટ્રાન્સફર ફી માંગી શકે નહી. સર્વિસ સોસાયટી એટલે કે જે હાઉસીંગ સોસાયટીમાં ફલેટ કે જમીન સાથેની મિલ્કતની માલિકી વ્યક્તિગત હોય-
રેસીડેન્સ સોસાયટી એકટ હેઠળ તેનું નિર્માણ થયુ ન હોય અને તેને મિલ્કત પર કોઈ હકક મળતો નથી. આ પ્રકારની સર્વિસ સોસાયટીમાં ઘર ખરીદનાર જ તેની મિલ્કતના પૂર્ણ માલિક હોય છે અને સોસાયટીનો તેના પર કોઈ હકક રહેતો નથી.
આ કેસમાં સર્વિસ સોસાયટીના એક સભ્યએ તેની મિલ્કત અન્યને વેચી તે સમયે તેની ટ્રાન્સફર ફીના ચુકવણીનો મુદો વિવાદી બન્યો હતો અને સોસાયટીએ નવા ખરીદનારને તેની મિલ્કતના કબજા સામે ‘સ્ટે’ની માંગણી કરી હતી. અમદાવાદના ગોતા વિસ્તારની સર્વિસ સોસાયટીના આ વિવાદમાં રૂા.75000ની ટ્રાન્સફર ફી સોસાયટીએ માંગી હતી.
જો કે 2016માંજ ગુજરાત સરકારે એક પરિપત્રમાં હાઉસીંગ સર્વિસ સોસાયટીને કોઈપણ પ્રકારની ડેવલપમેન્ટ ફી કે અન્ય ચાર્જ વસુલી શકે નહી તે નિશ્ર્ચિત કર્યુ હતું. આ અંગે પહેલા રજીસ્ટર ઓફ સોસાયટી વિવાદ ગયો જેણે સોસાયટીને કોઈ ચાર્જ વગર સભ્યપદ આપવા આદેશ આપ્યો હતો.
જેની સામે સોસાયટીએ એડીશ્નલ રજીસ્ટર સમક્ષ અપીલ કરી જેમાં તેને સ્ટેટસ કવો જાળવી રાખવા આદેશ મેળવ્યો બાદમાં વિવાદ બોર્ડ ઓફ નોમીની ઓફ કોર્ટમાં કર્યો હતો અને આ અદાલતે સ્પષ્ટ રીતે સર્વિસ સોસાયટીને કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી લેવાનો અધિકાર નથી તે આદેશ સાથે સ્ટેટસ કવો પણ હટાવી લીધો હતો.