Gondal. તા.25
ગોંડલના ગુંદાળા ગામે તારી દીકરી ક્રિષ્ના કેમ તારા ઘરે આવી કહી કૌટુંબિક મહિલાઓ સહીતના શખ્સો માતા-પુત્ર અને જમાઈ પર હુમલો કરતાં સાત શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ગોંડલના ગુંદાળા ગામે રહેતા 38 વર્ષીય પરિણીતા અસ્મિતાબેન પ્રકાશભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તે જ ગામના વતની દિનેશ ધીરુ, ધીરુ જીવા, વિજયાબેન ધીરુ, નીતાબેન રણજીત મકવાણા, દિવ્યાબેન અરજણ મકવાણા, વનિતાબેન દેવા મકવાણા, ગંગાબેન અરજણ મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમની દિકરી ક્રિષ્નાએ ત્રણેક મહીના પહેલા રોહીત પારઘી (રહે.સાંઢવાયા, કોટડા સાંગાણી) સાથે મૈત્રી કરાર કરી ક્રિષ્ના રોહીત સાથે રહેતી અને ઘર આવતી નહીં.
ગઈ તા.23 ના બપોરના સમયે ક્રિષ્ના તથા રોહીત ફરીયાદીનાં ઘરે તેમના અભ્યાસના કાગળો લેવા માટે આવેલ હતા. બાદ બપોરે જમી ક્રિષ્ના તથા રોહીત તેમના ઘરે જવા નિકળતા હતા.
દરમિયાન દુરના કૌટુંબીક જેઠ ધીરૂનો દીકરો દિનેશ ઘસી આવેલ અને કહેલ કે, તમારી દિકરી ક્રિષ્ના કેમ તમારા ઘરે આવી? દરમિયાન કૌટુંબીક જેઠ ધીરૂભાઈ ઘરની ડેલી પાસે આવેલ અને કહેલ કે, તમારી દિકરીને કોણે અહીં ગામમાં આવવાનું કહ્યું? જેથી તેને કહેલ કે, તે તેમના કાગળો લેવા આવેલ છે, તો ધીરૂનો દીકરો દિનેશ આવેશમાં આવી તેઓને ફડાકા મારવા લાગેલ હતો. જેથી તેઓનો દિકરો વધુ મારથી બચાવવા વચ્ચે પડેલ તો વિજયાબેન ત્યાં આવેલ હોઇ જેણે ત્યાં પડેલ લાકડી દિકરાને માથામાં મારી દિધેલ હતી.
જેથી તેઓ દિકરાને લઈને ઘરમાં જતી રહેલ હતી. બાદ જમાઈ રોહીતે 108 એમ્બ્યુલન્સને ફોન બોલાવી હતી અને એમ્બ્યુલન્સમાં બેસતા હતા તેવામાં અન્ય આરોપી ધસી આવેલ હતા અને દિકરા વૈભવ અને જમાઇ રોહીતને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતા અને બધાએ કહેલ કે, તમને જીવતા નથી રહેવા દેવા તેમ કહી મારી નાખવાની ધમકી આપેલ હતી.
બાદમાં પોલીસ હેલ્પ લાઇનને ફોન કરતા પોલીસની ટીમ દોડી આવી હતી અને તેઓને સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બનાવ અંગે પરિણીતાની ફરીયાદ પરથી તાલુકા પોલીસે પાંચ મહિલા સહીત સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

