Bhavnagar,તા.03
ઔદ્યોગિક રીતે સિમિત ઉદ્યોગ-ધંધા અને વ્યવસાયો ધરાવતાં ભાવનગર શહેર અને જિલ્લાના વેપારીઓએ સતત ત્રીજા નાણાંકીય વર્ષના અંતે રૂા.બે હજાર કરોડથી વધુનો જીએસટી ચૂકવી નવો વિક્રમ સર્જવાની સાથે ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગને બમ્પર વાર્ષિક આવક આપી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગને જીએસટી કલેકશન પેટે રૂા.૨૨૫૧ કરોડની આવક થઈ છે. જો કે, આ આવક નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ અંદાજે રૂા.૭૩ કરોડ જેટલી ઓછી નોંધાઈ છે. ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ કર અને દંડ પેટે સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં બમ્પર આવક કરી છે. અને નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે કુલ રૂા.૨૨૫૧ કરોડનું કલેક્શન કર્યું છે. જો કે આ પૂર્વે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ આ રકમ ઓછી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૩૨૪ કરોડ હતું અને તે પહેલા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૧૧૬ કરોડ હતું. આમ, સતત ત્રીજા નાણાંકીય વર્ષે ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન બે હજાર કરોડને પાર રહ્યું છે. નાણાંકીય વર્ષ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્ટેટ જીએસટીની આવકના ઘટાડા પાછળ જીએસટી વિભાગમાં જોઈન્ટ કમિશ્નરથી લઈને એસટીઆઈ સુધીના અધિકારીઓની સામૂહિક બદલી, સ્થાનિક વેપાર-ઉદ્યોગમાં મંદી અને મોટાપાયે સ્થાનાંતરને કારણભૂત માનવામાં આવી રહી છે.ભાવનગર ડિવિઝનમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સૌથી વધારે માર્ચ-૨૦૨૫માં રૂ.૨૨૮ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં રૂ.૧૩૧ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. આમ, ગત નાણાંકીય વર્ષમાં ભાવનગરના વેપારીઓએ સતત ત્રીજા વર્ષે સરકારી તિજોરીમાં જીએસટી પેટે બે હજાર કરોડથી વધારે ટેક્સ ભર્યો છે.