Surendranagar,તા.24
હળવદ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ મંદિરમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા જગતગુરુજીનું રાજપુતી રીતથી પાઘડી અને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી શક્તિ મંદિર હળવદ ખાતે દ્વારકા શારદાપીઠના જગતગુરુ સ્વામી શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભાનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજીનું શક્તિ મંદિરે ઢોલ નગારા સાથે અને રાજપુતી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મા શક્તિ અને હલાદીનાથ મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન બાદ હળવદ શહેરનો પાયો જે હળથી ખોદાયો તેના દર્શન અને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું ક્ષત્રિય સમાજ દ્વારા રાજપુતી રીતથી પાઘડી અને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ દ્વારકા મંદિરનો જીર્ણોેધાર કરાવનાર અને મંદિરના શિખર પર શક્તિ માની સ્થાપના કરનાર ૫માં ઝલ્લેશ્વર અર્જુનદેવજી (દ્વારકાદાસજી)નું પેઇન્ટિંગ અને શક્તિ માની સ્થાપનાનો ઇતિહાસ પૂરો પાડતી પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી.