Rajkot, તા.16
ભાવનાબેન નીતિનભાઈ પરમાર (ઉ.વ.25, રહે, વેરાવળ શાપર, હાઉસિંગ સોસાયટી, મારૂતિનગર, મુળ ગામ ધ્રાંગધ્રા, આંબેડકરનગર, જી.સુરેન્દ્રનગર)એ ધીરૂ જીવા મકવાણા, તેના પત્ની ગીતાબેન અને અજીત મકવાણા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મારા દિયર રવિ અમારી આગળ રહેતા જીવાભાઈને કામે સાથે લઇ ગયેલ હોય તે બાબતનો ખાર રાખી ધીરૂભાઈ મોટું લાકડુ લઇ મારવા દોડેલ તથા તેના પત્ની ગીતાબેન તથા અજીતભાઇ એમ બન્ને લોકોએ જેમફાવે તેમ બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી અને ધીરુભાઇએ મારા નણંદને પેટમાં પાટુ મારી મુંઢે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તો આ ત્રણેય લોકો સામે ધોરણસર થવા મારી ફરીયાદ નોંધાવી હતી. મારાં નણંદ કિરણબેનને પેટમાં પાટુ માર્યું હોવાથી તેમને શાપર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
સામાપક્ષે ગીતાબેન ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.35, રહે. વેરાવળ શાપર, હાઉસીંગ સોસાયટી, મારૂતિનગર, મુળ ગામ ખોડુ તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર)એ રવિ, નિતીન, પરસોતમ અને મયુર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઈકાલે સાંજના સાડા છએક વાગ્યે હું તથા મારી દિકરી ઘરે હતા ત્યારે મારા પતિ ઘરે આવેલ અને મારા પતિએ મને વાત કરેલ કે આપણા ઘરની આગળ રહેતા રવિ સાથે આપણા બાપાને કામ કરવા સાથે લઈ જાય છે અને મે તેને કામે લઇ જવાની ના પાડેલ તે બાબતે બોલાચાલી થઇ છે.
તેવામાં ચારેય આરોપી આવ્યા અને મને કહેવા લાગેલ કે જીવાભાઈને અમો કામે લઈ ગયેલ હતા તે બાબતે તારા પતિએ મારા સાથે ખોટી માથાકુટ કરેલ છે. તેમ કહી જેમફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ. મને પાઇપથી માર મારી મારાં પતિને ઢીંકાપાટુનો માર માર્યો હતો. ઇંટનો ઘા કરતા મારી દિકરી સોનલને ઇજા થઈ હતી.
માણસો ભેગા થઈ જતા આરોપીઓ જતા રહ્યા અને હવે જો અમારી સાથે ખોટી માથાકુટ કરી તો જાનથી મારી નાખશું તેમ ધમકી આપી હતી. અમે ખાનગી હોસ્પિટલ સારવાર લીધી હતી.
આ બનાવ બનવાનું કારણ એવુ છે કે, મારા સસરા જીવાભાઈને રવિ કામે લઇ ગયેલ હોય, મારા પતિએ મારા સસરાને કામે નહી લઈ જવાનું કહેલ હોય તે બાબતે ઝઘડો થયો હતો. શાપર પોલીસે સામસામી બે ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ કરી હતી.