Vadodara તા.5
દેશનુ સહકારી માળખુ વિશ્વસ્તરે વિખ્યાત છે. જયારે શ્વેતક્રાંતિમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગુજરાત સ્થિત `અમુલ’ વિશ્વની નંબર-વન સહકારી સંસ્થા જાહેર થઈ છે. આ જ રીતે ઈફકોને નંબર-ટુ નુ બીરુદ મળ્યુ છે.
માત્ર બે ખેડુતોએ શરૂ કરેલી સહકારી ડેરીએ વિશ્વસ્તરે ભારતને ગૌરવ અપાવ્યુ છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન વિશ્વની પ્રથમ ક્રમની સહકારી સંસ્થા જાહેર થઈ છે.
કતાર-દોહા ખાતે ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ કોન્ફરન્સમાં માથાદીઠ જીડીપી પરફોર્મન્સના આધારે આ હેન્કીંગ જાહેર કરવામાં આવ્યા છે. સંસ્થામાં દુનિયાભરની સહકારી સંસ્થાઓ સામેલ છે અને તેના બિઝનેશ મોડલને આગળ ધપાવવામાં મોટુ યોગદાન આપે છે.
કેન્દ્રના ગૃહ અને સહકારી વિભાગના મંત્રી અમીત શાહે આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે ગણાવી હતી. અમુલ સાથે સંકળાયેલી લાખો મહિલા સભાસદો-પશુપાલકો તથા ખેડુતોની આ સિદ્ધિ છે. બીજા ક્રમે જાહેર થયેલા ઈફકોમાં પણ ખેડુતોનુ મોટુ યોગદાન છે.
તેમણે ટવિટમાં લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન સાકાર કરવાની દિશામાં તથા સશક્તિકરણનું વૈશ્વિક મોડલ છે. સહકારી ક્ષેત્રમાં અમાપ તકનો નિર્દેશ કર્યો હતો.
વૈશ્વિક સંસ્થા દ્વારા દર વર્ષે દુનિયાભરની સહકારી સંસ્થાઓ થકી સામાજીક-આર્થિક પ્રભાવોનું વિશ્લેષણ કરવામાં આવે છે. અમુલ વર્ષોવર્ષ વિકાસની નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યું છે અને તે નવી સિદ્ધિથી પ્રતિબંધીત થયુ છે.
અમુલના મેનેજીંગ ડાયરેકટર જયેન મહેતાએ કહ્યું કે `અમુલ’ ખેડુતોની માલીકીની જ બ્રાન્ડ છે. દુધ કલેકશનથી માંડીને માર્કેટીંગ તેમના થકી જ થાય છે. ગરીબી ઘટાડાથી માંડીને વર્ગભેદ મિટાવવાનું મુખ્ય લક્ષ્ય છે.
અમુલ માત્ર દુધ નહીં પણ ભરોસાનું પ્રતિક છે. હજારો ઉત્પાદકો અને કરોડો ગ્રાહકો છે. વૈશ્વિક સંસ્થાનુ સર્ટીફીકેટ ગૌરવપૂર્ણ છે. રસપ્રદ વાત એ છે કે, યુનો ચાલુ વર્ષને સહકારિતા વર્ષ તરીકે ઉજવી રહ્યું છે તે પુર્ણ થતા પુર્વે જ અમુલ અને ઈફકોને ગૌરવપૂર્ણ બહુમાન બન્યુ છે. વિશ્વમાં દર 10 વર્ષે 1 વર્ષ સહકારિતા વર્ષ જાહેર કરવા દોહા બેઠકમાં ઠરાવ કરાયો હતો.

