Jamnagar,તા. ૧૧
જામનગરની પ્રતિષ્ઠિત શિપીંગ કંપની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડે વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રા.લિ.સામે કુલ રૂા.૩ કરોડથી વધુની રકમ વસુલવા દાવો કર્યો છે.
દેશના વહાણવટા ઉધોગમાં પ્રતિષ્ઠિત કંપની એવી જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડે વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રાઈવેટ લિમીટેડનું સ્ટીવડોરીંગ અને લોડીંગ-અનલોડીંગનું કામ કર્યું હતું તેમજ બાર્જ સહિતના સાધનો ભાડે આપ્યા હતાં, જેની રૂા. ૧,૮૧,૨૦,૫૦૦ લેવાના થતાં હતાં. પરંતુ વડોદરાની આ કંપનીએ કામની રકમ નહી ચુકવતાં જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડ દ્વારા જામનગરની સિવીલ કોર્ટમાં લ્હેણી રકમ વ્યાજ સાથે વસુલ કરવા દાવો કર્યો છે.
આ દાવામાં વર્ષ ૨૦૨૧ થી અત્યાર સુધીની મુદ્દલ તથા વ્યાજ સહિત કુલ રૂા. ૩, ૧૧,૬૭,૨૬૦ વસુલ કરવા કરેલા દાવામાં જણાવાયું છે કે વડોદરાની કંપનીએ જામનગરની શ્રીજી શિપીગને લ્હેણી રકમ પેટે છેલ્લે વર્ષ ૨૦૨૩ માં રૂા. પંદર લાખ ચુકવ્યા હતાં. એ પછીથી અત્યાર સુધી લ્હેણી રકમ ચુકવી નથી.આ દાવામાં સામાવાળી વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રા.લિ.ના ડાયરેકટરો તરીકે પ્રતિક્ષા પ્રદિપ ઝા, તૌષી ઝા, પ્રવિણભાઈ શાંતિલાલ શાહ અને નિહાર સનતકુમાર માંકડ સામે આ કાનુની કાર્યવાહી કરવામાં આવી છે.