ફિલ્મી પરિવારમાં ઉછેર છતાં નવ્યાને હંમેશા તેના પિતાના બિઝનેસ માટે આકર્ષણ અને ઉત્સુકતા રહ્યાં છે
Mumbai, તા.૧
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પોતાની યુટ્યુબ ચેનલ પર એક પોડકાસ્ટ શો ચલાવે છે, ‘વોટ ધ હેલ નવ્યા’. તેમાં ઘણી વખત તેની સાથે તેની માતા શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચન પણ જોડાય છે. ત્યારે તાજેતરના એક પોડકાસ્ટ શોમાં નવ્યાએ જણાવ્યું કે કઈ રીતે તેનાં નાના-નાની સાથે તેનો ઉછેર થયો છે અને કઈ રીતે તેમની ભોજન વખતની ચર્ચાઓ ઘણી વખત ધારદાર અને ઉગ્ર થઈ જાય છે, જ્યાં દરેકના પોતાના દૃઢ મત હોય છે.નવ્યાએ કહ્યું કે તેના માતા અને પિતા બંનેની તરફનો પરિવાર અનોખો છે, તેનાથી જ તેનાં વ્યક્તિત્વનું ઘડતર થયું છે. નવ્યાએ કહ્યું, “હું મોટી થઈ રહી હતી ત્યારે મેં ઘણો સમય મારા નાના-નાની સાથે વિતાવ્યો છે, હજુ પણ વિતાવું છું, અમે હજુ પણ બધા સાથે જ રહીએ છીએ, આજના યુવાન લોકો માટે આ વાત થોડી અસમાન્ય છે. અમે ઝઘડતાં નથી, ઘણા મુદ્દાઓ પર અમારી વચ્ચે ગંભીર પણ તંદુરસ્ત ચર્ચાઓ થાય છે. એમાં એવા પણ મુદ્દાઓ હોય છે, જે આજે ચર્ચામાં હોય, જે મહત્વના હોય. જે પણ લોકોએ પોડકાસ્ટ જોઈ છે, એ લોકો જાણે છે કે દરેક એપિસોડમાં અસહમતી અથવા ચર્ચા હોય છે. આશ્ચર્યની વાત એ છે કે એમાં કોઈ ઝઘડો નથી, અમારા બધાંનું વ્યક્તિત્વ ઘણું અલગ છે, અમે બધાં એકસરખાં મુલ્યો ધરાવીએ છીએ, દરેક બાબતોથી વધુ તે દર્શાવે છે કે અમે કોણ છીએ.”નવ્યાએ એમ પણ કહ્યું કે તેનો, તેના ભાઈ અગત્સ્ય અને કઝીન આરાધ્યા એકબીજાને સન્માન આપવાનું મહત્વ શીખ્યા છે. નવ્યાએ કહ્યું, “અમારો ઉછેર જે પહેલી મહત્વની બાબતમાં થયો છે, એ છે ઘણું સન્માન અને પરિવાર. મને લાગે છે અમારા બધાના મનમાં જે એક વાત છે, તે છે સન્માન, પછી તે અમારા નાના-નાની માટે હોય, અમારા ઘરની સૌથી નાની સભ્ય મારી બહેન હોય કે મારો ભાઈ. અમને બધાને એકબીજા માટે ઘણું માન છે, માત્ર વ્યક્તિઓ કે મોટાઓ માટે જ નહીં પણ અમે બધાં જે કામ કરીએ છીએ તેના માટે કે અમે જ્યાંથી આવીએ છીએ તેના માટે પણ.”ફિલ્મી પરિવારમાં ઉછેર છતાં નવ્યાને હંમેશા તેના પિતાના બિઝનેસ માટે આકર્ષણ અને ઉત્સુકતા રહ્યાં છે, તેને ધ્યાનમાં લઇને તે એક આન્ત્રપ્રિન્યોર તરીકે પોતાનું નામ બનાવી રહી છે, જોકે, તેનો ભાઈ અગત્સ્ય ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની ફિલ્મ ઇક્કિસ રિલીઝ થઈ રહી છે.

