Sydney, તા.27
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ત્રીજા વનડેમાં ફીલ્ડીંગ કરતા સમયે ઈજાગ્રસ્ત બનેલા ટીમ ઈન્ડીયાના મીડલ ઓર્ડર બેટસમેન અને વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરની ઈજા અત્યંત ગંભીર હોવાનું જાહેર થયુ છે અને તેને આંતરિક હેમરેજ થતા હાલ સીડનીમાં એક ટોચની હોસ્પીટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
શ્રેયસ ઐય્યરને ડાબી બાજુની પાંસળીઓ પર ઈજા થઈ છે અને પ્રારંભીક તરીકે તેને ફીલ્ડીંગમાંથી દુર કરાયો હતો પરંતુ બાદમાં તેને પીડા ઉપડતા હોસ્પીટલમાં ચેકઅપ માટે લઈ જવાયો જયાં તેને ઈન્ટરનલ હેમરેજ હોવાનું બહાર આવ્યુ હતું અને તાત્કાલીક આઈસીયુમાં દાખલ કરાયો છે.
શનિવારે ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વનડેમાં ફીલ્ડીંગ કરતા સમયે ઓસ્ટ્રેલિયન બેટસમેન એલેકસ કેરીએ હર્ષિત રાણાના એક દડામાં ઉંચો શોટ લગાવ્યો હતો. આ સમયે બેકવર્ડ પોઈન્ટ પર ફીલ્ડીંગ કરી રહેલા ઐય્યરે દોડીને કેચ પકડયો હતો પરંતુ જમીન પર તે પડયો અને તેની પાંસળીઓમાં તે સમયે ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે અને તુર્તજ તેને પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.
પરંતુ આંતરિક હેમરેજનો રિપોર્ટ આવતા તેને આઈસીયુમાં દાખલ કરાયો છે. અગાઉ તેને ડ્રેસીંગરૂમમાં સારવાર અપાઈ હતી અને હાલ તેને ઓછામાં ઓછુ એક સપ્તાહ હોસ્પીટલમાં જ રહેવું પડશે ત્યારબાદ તબીબો શ્રેયસ ઐય્યર અંગે નિર્ણય કરી શકે છે. શ્રેયસ ઐય્યરના ઈજાના અહેવાલ આવતા જ ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે.

