Mumbai,તા.29
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચ બાદ ઈજા થતાં ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની સર્જરીના અગાઉના સમાચારોથી વિપરીત, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું છે કે, અય્યરની કોઈ સર્જરી કરવામાં આવી નથી, તેના બદલે ડોક્ટરોએ અન્ય સારવાર દ્વારા શરીરમાં થઈ રહેલો આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) રોક્યું છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ‘શ્રેયસ અય્યરની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. તેની રિકવરી એટલી ઝડપથી થઈ રહી છે કે જેની ડોક્ટરો પણ અપેક્ષા નહોતા રાખી રહ્યા. હું સતત ડો. રિઝવાનના સંપર્કમાં છું, જે ભારતીય ટીમના ડોક્ટર છે અને સિડનીમાં અય્યર સાથે હોસ્પિટલમાં રોકાયા છે. સામાન્ય રીતે આ ઈજામાંથી સાજા થવામાં 6 થી 8 અઠવાડિયાનો સમય લાગી શકે છે, પરંતુ શ્રેયસ તેનાથી ઘણું વહેલું સાજો થઈ જશે.’
દેવજીત સૈકિયાએ અય્યરના સ્વાસ્થ્ય અંગે વધુમાં કહ્યું કે, ‘ડોકટર્સ શ્રેયસની રિકવરીથી સંતુષ્ટ છે. તેણે પોતાના રોજિંદા જીવનના કામકાજ શરૂ કરી દીધા છે. તેની ઈજા ખૂબ ગંભીર હતી, પરંતુ હવે શ્રેયસ ખતરાની બહાર છે. આ જ કારણોસર હવે અય્યરને ICUમાંથી તેના રૂમમાં શિફ્ટ કરી દેવાયો છે.’
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન, ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સ કેરીનો મુશ્કેલ કેચ પકડતી વખતે શ્રેયસ અય્યરને ગંભીર ઈજા થઈ હતી. ભારે દર્દમાં હોવાથી તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જઈને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. BCCIએ પુષ્ટિ કરી હતી કે અય્યરને ડાબી પાંસળીની નીચેના ભાગે ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્રાવ થઈ રહ્યો હતો. જોકે, લેટેસ્ટ અપડેટ મુજબ, અય્યર હવે ખતરાની બહાર છે.

