Botad,તા.06
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (6 ઓક્ટોબર) શરદોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટ અને દિવ્ય વાઘા ધરાવીને કમળની સુંદર થીમનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.શરદોત્સવના પર્વને ઉજવવા માટે રાત્રે 9:00 થી 11:00 દરમિયાન દાદાના દરબારમાં સંતો અને ભક્તોના સાન્નિધ્યમાં ડી.જે.ના તાલે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે.