Surendaranagar, તા.1
થાનગઢ તાલુકાના લાખામાચી ગામના લાખાખડા વિસ્તારમાં આવેલા વાસુકી દાદાના મંદિરે 6 નવેમ્બર,2025થી ભવ્ય શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રાવ કાળુજીબાપુ ધાધલ પરિવાર દ્વારા આયોજિત આ સપ્તાહમાં સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે રાધે) વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ સપ્તાહ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના વિવિધ સંતો-મહંતો તેમજ ગુજરાત રાજ્યના અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, સાંસદ પરષોત્તમ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, ચંદુભાઈ શિહોરા, કિરીટસિંહ રાણા, મુળુભાઈ બેરા, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જગદીશભાઈ મકવાણા, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જયદ્રથસિંહ પરમાર, પી.કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા, જનકભાઈ તળાવીયા, ઉદય કાનગડ, શામજીભાઈ ચૌહાણ, જયેશભાઈ રાદડિયા, મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ગીતાબા જાડેજા અને લાખામાચીના સરપંચ મયુરસિંહ રાણા સહિતના અગ્રણીઓ હાજરી આપશે.
કથા દરમિયાન બે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, દેવાયતભાઈ ખવડ, જીતુદાદ ગઢવી, હરેશદાન ગઢવી, અનુભા ગઢવી, બિરજુ બારોટ, ગોવિંદભા, રણજીતભાઈ વાંક અને ગોપાલ સાધુ જેવા કલાકારો ભજન-લોકગીતો રજૂ કરશે. દાંડિયારાસના કાર્યક્રમમાં લોકગાયિકા રસ્મિતાબેન રબારી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, પોથીયાત્રા, નંદ મહોત્સવ અને રૂકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
કથા દરમિયાન દરરોજ સવારે 6ઃ30 થી 8ઃ30 વાગ્યા સુધી પિતૃ પૂજા અને દેવતા પૂજન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કથાના આયોજનની તૈયારીઓ સમસ્ત ધાધલ પરિવારના યુવાનો અને આગેવાનો દ્વારા જોરશોરથી ચાલી રહી છે.

