તાજેતરની મુંજાની અપાર સફળતા બાદ, લોકોએ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ૨ના પણ ખૂબ જ વખાણ કર્યા છે
Mumbai, તા.૧૪
હોરર કોમેડી ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરની મુંજાની અપાર સફળતા બાદ, લોકોએ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ૨ના પણ ખૂબ જ વખાણ કર્યા છે. આ દરમિયાન, આદિત્ય સતપોદાર અને દિનેશ વિજન ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’ નામની વધુ એક અનોખી હોરર કોમેડી બનાવવા આતુર છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની પસંદગી કરવામાં આવી છે. આયુષ્માન આ પહેલા પણ દિનેશ વિજાન સાથે ફિલ્મ ‘બાલા’માં કામ કરી ચૂક્યો છે. આ બંને વચ્ચે એક સુંદર ક્રિએટિવ બોન્ડ છે. આયુષ્માન ખુરાના અને દિનેશ વિજાન છેલ્લા ઘણા સમયથી ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’ વિશે ચર્ચા કરી રહ્યા છે અને વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવા માટે તૈયાર થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં આયુષ્માન અને રશ્મિકાના પાત્રો ખૂબ જ અનોખા હશે. હાલમાં, ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ પ્રિ-પ્રોડક્શન સ્ટેજ પર પહોંચશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા, આયુષ્માન કરણ જોહરની અનટાઈટલ્ડ સ્પાય-થ્રિલર ફિલ્મનું અને અનુરાગ સિંહ દિગ્દર્શિત ‘બોર્ડર ૨’નું શૂટિંગ પૂરું કરશે. આ દરમિયાન રશ્મિકા સલમાન ખાન સાથે ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પૂર્ણ કરશે.આ હોરર કોમેડી ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલી વધુ માહિતી હાલમાં સામે આવી નથી. મેકર્સ ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૫માં સિનેમાઘરોમાં આવી શકે છે.