New Delhi,તા.26
ગઈકાલે એકિસઓમ અવકાશ યાન મારફત સ્પેસલેબમાં પહોંચવા માટે આગળ વધી રહેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ એક તરફ તેના પરિવાર સાથેનો સંપર્ક જાળવી રાખ્યો છે.
તો બીજી તરફ આજે પોતે એક સંદેશમાં પોતાના અનુભવને અકલ્પનીય ગણાવ્યો હતો અને ઉમેર્યુ કે મે પુરી રાત સારી રીતે ઉંઘ લીધી છે અને હવે આગળની કામગીરી માટે તૈયાર છું.
આજે કોઈપણ સમયે એકિસઓમ સ્પેસલેબ સાથે જોડાશે અને તેની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્પેસલેબમાં પહોંચનાર શુભાંશુ શુકલા પ્રથમ ભારતીય બનશે અને તે 14 દિવસ રોકાશે.
આ અગાઉ શુભાંશુ શુકલાએ પોતાના પ્રથમ સંદેશમાં દેશવાસીઓને નમસ્કાર કર્યા હતા અને કહ્યું હતું કે હુ આ યાત્રા માટે ગૌરવ અનુભવુ છું. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએકસ ફાલ્કન નવ રોકેટ દ્વારા આ અવકાશ યાને ઉડાન ભરી હતી અને તે આજે સાંજે 4.30 વાગ્યે સ્પેસલેબ સાથે જોડાશે અને પૃથ્વીથી સ્પેસલેબની 28 કલાકની સફરનો અંત આવશે.