Cap Kennedy,તા.25
ભારતના અંતરીક્ષ ક્ષેત્રે ભારતના અંતરીક્ષ યાત્રી શુભાંશુ શુકલાએ એક નવો ઈતિહાસ બનાવ્યો છે. આજે અમેરિકાના ફલોરીડાના કેપકેનેડી અવકાશ કેન્દ્ર ઉપરથી એકસીઓમ મિશન-4 બપોરે 12-01 કલાકે તેની સ્પેસ લેબની સફર માટે રવાના થયું છે. આજે સવારથી જ નાસાના સ્પેસ કેન્દ્ર ઉપરથી એકસીઓમ-4ની ઉડાનની કાઉન્ટ ડાઉન શરૂ થયું હતું અને શુભાંશુ શુકલા સહિતની 4 અવકાશ યાત્રીઓએ એકસીઓમ-4માં પ્રવેશ કર્યા બાદ આ ટ્રેગન યાનના હેચને લોક મારી દેવાયું હતું અને તેની સાથે જ તેને લોન્ચીંગની આખરી ઘડી આવી પહોંચી હતી,
સમગ્ર દેશ માટે ગૌરવરૂપ ભારતીય અવકાશ યાત્રીની ઉડાન શરૂ થઈ છે તે તેના નિર્ધારીત સમય મુજબ સ્પેસ લેબ સાથે જોડાઈ જશે અને અહીં 14 દિવસના રોકાણ દરમ્યાન ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા સહિતના અવકાશ યાત્રીઓ વિવિધ પ્રયોગો કરશે. અગાઉ ચાર વખત આ ઉડાન મુલત્વી રહી હતી અને અંતે આજે હવામાનની તમામ સાનુકુળતા સાથે અવકાશ યાન એ તેની મહત્વપૂર્ણ સફરનો પ્રારંભ કર્યો હતો.
41 વર્ષ અગાઉ ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્માએ 8 દિવસ સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે રેકોર્ડ બનાવ્યો હતો જેમાં હવે ગ્રુપ કેપ્ટન શુભાંસુ શુકલાએ મિશન આગળ ધપાવ્યું હતું. આજના મિશન પૂર્વે જ વધુ એક વખત એકસીઓમ-4માં નાની ટેકનીકલ ક્ષતિ સર્જાઈ હતી પરંતુ તેને થોડીક મીનીટોમાં દુર કરાઈ હતી.
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા અને ભારતીય અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોના સંયુકત કાર્યક્રમ મુજબ ભારત સહિત ચાર દેશોના અવકાશ યાત્રીઓ એકસીઓમ મારફત રવાના થયા છે જેમાં એક માત્ર કમાન્ડર પેગી વ્હીટસન કે જે આ સમગ્ર મિશનનું નેતૃત્વ કરે છે અને તેઓ અવકાશ સફરનો અનુભવ ધરાવે છે.
જયારે તેની સાથે મિશન એકસપર્ટ ટીબોર કાપુ, અને પોલેન્ડના અવકાશ યાત્રી સ્લોવોજ ઉજનાસ્કી પણ જોડાયા છે. 2019થી ગ્રુપ કેપ્ટન શુભાંસુ શુકલા આ મિશન માટે તાલીમ લઈ રહ્યા હતા. અને એક પુરી ટીમમાંથી તેમની આખરી પસંદગી થઈ હતી. અને ભવિષ્યમાં ભારતના ગગનયાન માટેનું કમાન્ડ પણ તેમને સોપાઈ તેવી શકયતા છે.
આજે સ્પેસ એકસ ડ્રેગન એકસીઓમ-4ની ઉડાન માટે ફાલ્કન-9 રોકેટનો ઉપયોગ કરાયો છે. આ એજ પ્લેટફોર્મ ઉપરથી એકસીઓમે ઉડાન ભરી છે જયાં 1969માં નાસાના એપોલો-11 મિશન કે જેમાં રહેલા અવકાશ યાત્રીઓ પ્રથમ વખત ચંદ્રની ધરતી પર પગ મુકયો હતો તે પ્લેટફોર્મ ઉપરથી આજની ઉડાન થઈ છે.
ગ્રુપ કેપ્ટન શુભાંસુ શુકલા એક વખત સ્પેસ લેબમાં પહોંચ્યા પછી તે 14 દિવસના તેમના રોકાણ દરમ્યાન પ્રયોગોની સાથે સ્પેસ ટુ અર્થ ઈન્ટરએકટ આઉટરીચ પ્રોગામાં ભાગ લેશે જેમાં તેઓ સ્પેસ લેબમાંથી પૃથ્વી ઉપર વાતચીત કરશે અને માનવામાં આવે છે કે શુભાંસુ શુકલા સ્પેસ લેબમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે અને તેનું દેશભરમાં જીવંત પ્રસારણ થશે.