Birmingham,તા.07
બર્મિંઘમના એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ ગિલ આર્મીને વધુ એક ગુડ ન્યૂઝ મળી છે. શુભમન ગિલે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહની વાપસીની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, બુમરાહ લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. પરંતુ બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ભારતે બર્મિંઘમમાં 336 રનથી જીત હાંસલ કરી છે, જે રન માર્જિનથી તેની અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી ટેસ્ટ જીત છે. જ્યાં સુધી બુમરાહનો સવાલ છે, તો તે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બીજી ટેસ્ટ નહોતો રમ્યો, પરંતુ હવે ગિલે કહ્યું છે કે તે લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી કરશે.
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ગિલને પૂછવામાં આવ્યું કે, શું ત્રીજી ટેસ્ટમાં બુમરાહ રમશે? તેના પર ગિલે એક શબ્દમાં જવાબ આપતા કહ્યું કે, ‘બિલકુલ’. જો બુમરાહ વાપસી કરશે તો પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર બેસવું પડી શકે છે. બુમરાહની જગ્યાએ રમનારા આકાશ દીપે એજબેસ્ટનમાં 10 વિકેટ ખેરવી હતી, જેમાં બીજી ઈનિંગમાં છ વિકેટ સામેલ હતી. આ ઈંગ્લેન્ડની ધરતી પર કોઈપણ ભારતીય બોલરના શ્રેષ્ઠ મેચ આંકડા રહ્યા છે.
ગિલે આકાશ દીપની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે બોલને બંને તરફ મૂવ કરાવીને ઈંગ્લિશ બેટ્સમેનોને પરેશાન કર્યા. તેણે સટીક લેન્થ પર બોલિંગ કરી અને બોલ બંને તરફ મૂવ કરાવ્યા, જે આ પિચ પર મુશ્કેલ હતું. તે અમારા માટે શાનદાર રહ્યું.
બીજી ટેસ્ટ પહેલા ભારતના પક્ષમાં આંકડા નહોતા, કારણ કે તેણે એજબેસ્ટનમાં રમાયેલી આઠ મેચોમાં ક્યારેય ટેસ્ટ નહોતી જીતી. વાસ્તવમાં 1962 પછી પહેલી 18 ટેસ્ટમાં કોઈ પણ એશિયન ટીમ બર્મિંઘમમાં જીતી નહોતી શકી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, કારણ કે તેણે 269 અને 161 રન બનાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન હતા. મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. ભારત 10 જુલાઈ, ગુરુવારથી શરૂ થતી લોર્ડ્સ ટેસ્ટમાં 2-1ની લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.