Mumbai,તા.07
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી અંગે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, તાજેતરમાં જે કેપ્ટને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી અને ફાઈનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો, તેવા રોહિત શર્માની વિના કારણે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેના સ્થાને શુભમન ગિલને પરાણે વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.કેપ્ટન્સી આંચકી લેવાનો આશય: કૈફે તર્ક આપ્યો કે, હેડ કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકર એ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે રોહિત શર્માને કેપ્ટન્સી સોંપવી નથી. કૈફના મતે આ નિર્ણયનો એક જ આશય હતો કે રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી આંચકી લેવી.મોહમ્મદ કૈફે પસંદગી સમિતિના તર્કની ટીકા કરતા કહ્યું કે, ‘રોહિત શર્માએ તેની છેલ્લી ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં 76 રનની ‘પ્લેયર ઓફ ધ મેચ’ની ઇનિંગ્સ રમી હતી. “તે હજી કેપ્ટન તેમજ બેટર તરીકે સફળ હોય તો પછી તેને કેપ્ટન તરીકે હટાવવાનું કારણ સમજાતું નથી.’ કૈફના મતે આ નિર્ણય દ્વારા રોહિત શર્માને સ્પષ્ટ મેસેજ આપી દેવાયો છે કે, તે 2027ના વર્લ્ડ કપની યોજનામાં નથી.
સૂર્યકુમાર યાદવની જેમ જ, ગિલને ટૂંકા ગાળામાં જ ટેસ્ટ કેપ્ટન્સી (જેમાં ઇંગ્લેન્ડ સામેની 2-2ની ડ્રો સિરીઝમાં તેણે 700+ રન કર્યા) બાદ વન-ડેની કેપ્ટન્સી સોંપાઈ છે. કૈફે ચેતવણી આપી કે, ‘આ બેવડો બોજ સ્વીકાર્ય નથી. ગિલની કેપ્ટન્સી અને બેટિંગ ફોર્મ જુદા-જુદા ફોર્મેટમાં જારી રાખવું તે આસાન નથી.’કૈફે સંકેત આપ્યો કે ગિલ આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ ટી20નો પણ કેપ્ટન બનશે. આટલા પ્રતિભાશાળી યુવા ખેલાડી પર આટલું મોટું દબાણ મૂકવું યોગ્ય નથી.