New Delhi તા.13
ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 754 રન બનાવનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલને મંગળવારે ICC પ્લેયર ઓફ ધ મન્થ (જુલાઈ 2025) તરીકે પસંદ કરવામાં આવ્યો.
મહિલા શ્રેણીમાં, ઈંગ્લેન્ડની સોફિયા ડંકલીને જુલાઈ મહિનાની શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી. આ ચોથી વખત છે જ્યારે ગિલે આ પ્રતિષ્ઠિત ICC એવોર્ડ જીત્યો છે. વર્ષ 2021 માં શરૂ થયા પછી કોઈ અન્ય ખેલાડી આટલી વાર આ એવોર્ડ જીતી શક્યો નથી.
બેવડી સદી યાદ રાખશે: એવોર્ડ જીત્યા પછી, ગિલે કહ્યું કે તે હંમેશા તેની બેવડી સદી યાદ રાખશે જેણે ગયા ઇંગ્લેન્ડ પ્રવાસ પર એજબેસ્ટન ખાતે ટીમની જીતમાં ફાળો આપ્યો હતો. ગિલે આ પ્રવાસ પર પાંચ મેચની શ્રેણીમાં ચાર સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડરને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.
ગિલે આશા વ્યક્ત કરી હતી કે તે આગામી સિઝનમાં પણ આ ગતિ ચાલુ રાખશે. ગિલે કહ્યું, ’જુલાઈ મહિના માટે ’આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે પસંદ થવું ખૂબ જ સારું લાગે છે. આ વખતે તેનું મહત્વ વધુ છે, કારણ કે તે કેપ્ટન તરીકે મારી પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં મારા પ્રદર્શન માટે પ્રાપ્ત થયું છે.
બર્મિંગહામ (એજબેસ્ટન ગ્રાઉન્ડ) માં ફટકારેલી બેવડી સદી એક એવી સિદ્ધિ છે જેને હું હંમેશા યાદ રાખીશ અને તે મારા ઇંગ્લેન્ડ પ્રવાસની ખાસ ક્ષણોમાંની એક હશે.’ 25 વર્ષીય ખેલાડીએ કહ્યું, ’ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી મારા માટે કેપ્ટન તરીકે શીખવાનો અનુભવ હતો અને બંને ટીમો તરફથી કેટલાક શાનદાર પ્રદર્શન જોવા મળ્યા. મને ખાતરી છે કે બંને ટીમોના ખેલાડીઓ તેને લાંબા સમય સુધી યાદ રાખશે.
આ પુરસ્કાર માટે મને પસંદ કરવા બદલ હું જ્યુરીનો અને આ રોમાંચક શ્રેણી દરમિયાન મારી સાથે રહેવા બદલ મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું. મને આશા છે કે હું મારું ફોર્મ ચાલુ રાખીશ અને દેશ માટે વધુ સન્માન જીતીશ.