New Delhi તા.27
બિહારમાં ધારાસભા ચૂંટણી પુર્વે મતદાર યાદીના સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવીઝન (એસઆઈઆર) સફળતાપુર્વક પાર પાડયા બાદ હવે ચૂંટણીપંચ આજે દેશભરમાં આ પ્રકારે મતદારયાદીની ખાસ પુનઃ સમીક્ષાનો કાર્યક્રમ જાહેર કરશે અને તેમાં પ્રથમ તબકકામાં આગામી વર્ષે જે રાજયોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તે રાજયોમાં આ કામગીરી હાથ ધરાશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમાર આ અંગે બપોરે 4.15 કલાકે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરશે. પ્રાથમીક માહિતી મુજબ આગામી વર્ષે કેરળ, તામિલનાડુ, પોંડીચેરી, અરુણાચલ પ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે તે રાજયોમાં આ પ્રક્રિયાને પ્રાથમીકતા અપાશે તેની સાથે અન્ય કેટલાક રાજયોને પણ આવરી લેવાશે.
એકંદરે આગામી વર્ષે 10થી15 રાજયોમાં મતદાર યાદીની ખાસ સમીક્ષા થશે. ચુંટણીપંચ દ્વારા આ અંગે કેટલાક સમયથી તૈયારીઓ શરુ કરવામાં આવી છે. મોટાભાગના રાજયોમાં 2002થી 2004 વચ્ચે જે આખરી મતદાર યાદી હશે તેને કટઓફ ડેટ તરીકે માન્ય રખાશે.
બિહારમાં આ પ્રક્રિયાનો વિવાદ છેક સુપ્રીમકોર્ટ સુધી ગયો હતો અને પંચે પણ જણાવ્યું હતું કે જે વાંધા ઉઠાવાયા છે તે તમામનો ઉકેલ લાવી દેવાયો હતો અને બિહારમાં પરફેકટ રીતે મતદાર યાદી તૈયાર કરાઈ છે.
જેના પરથી હવે ચુંટણીઓ યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 2027માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે અને તેથી ગુજરાતમાં પણ બીજા તબકકામાં મતદાર યાદી પુનઃ સમીક્ષા થશે તે નિશ્ચિત છે.

