Dhoraji,તા.23
ધોરાજીના મોટી મારડ ગામે ચાર માસ પૂર્વે 40 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી, ગળાટુંપો આપી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે મામલાનો ભેદ હજુ નહિ ઉકેલાતા અનડિટેક્ટ મર્ડર મિસ્ટ્રીને ડિટેક્ટ કરી હત્યારા સુધી પહોંચવા રાજકોટ જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી છે. ચકચારી હત્યા મામલે પાટણવાવ પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ ચાર માસ બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે હવે ખુદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ મેદાને આવ્યાં છે અને એએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.બનાવમાં મૃતક સેક્સ મેનિયાક હોવાનું ખુલ્યા હતું, જે બાદ ગુનો ઉકેલવો વધું પેચીદો બન્યો છે, ત્યારે ‘ગે’ સબંધ પણ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ આદર્યો હતો અને ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.
બનાવ પર એક નજર કરવામાં આવે તો ધોરાજીના મોટીમારડ ગામે રહેતાં ભાવનાબેન ઉર્ફે હુરીબેન સામતભાઈ ડેર (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી તેમની માતા રાણીબેન, ભાઈ પ્રવીણભાઇ ઉર્ફે ભગો સાથે રહે છે ઘર કામ કરે છે. તે બે ભાઇ-બહેન છે, તેમાં મોટા પ્રવીણભાઇ હતા. પ્રવીણભાઇના લગ્ન તેણીના નણંદ શીલ્પાબેન સાથે થયેલ હતા અને તેને પણ છૂટાછેડા થઇ ગયેલ છે. તેણીનો ભાઈ વાહન ડ્રાઇવિંગ કામ કરતો હતો.
ગઇ તા.૦૮ ના રાત્રીના આઠેક વાગ્યે તેણી તેના માતા તથા ભાઈ પ્રવીણ સાથે ઘરે હતા ત્યારે ભાઈ તેનું બાઈક લઇ બહાર ગયેલ હતો. ત્યારબાદ સાડા આઠેક વાગ્યે તેને ફોન કરેલ તો, તેને કહેલ હું બહાર છું મારી રીતે ઘરે આવી જઈશ. મોડી રાત્રી સુધી ભાઈ ઘરે આવેલ નહિ જેથી તેને ફોન કરતા તેનો ફોન બંધ આવેલ, બાદમાં તેણીએ તેના મોટા બાપાના દિકરા જનક ડેર, રમેશ ડેરને ફોન કરી ભાઇ બાબતે પુછતા કાંઇ જાણવા મળેલ નહિ.
ઉપરાંત ગળામાં દોરી અથવા અન્ય કોઇ ચીજ વડે ગળાટુપો આપેલ હોય તેવું નિશાન હતું. બનાવ અંગે પાટણવાવ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ એલસીબી, એસઓજી સહિતની ટીમો તપાસમાં જોતરાઈ હતી પરંતુ હજું સુધી આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી.ત્યારે એસપી હિમકરસિંહ દ્વારા આરોપી સુધી પહોંચવા એએસપી સીમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં સીટની રચના કરી છે અને ગુનાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરવામાં આવી છે.