સોશિયલ મિડીયા પર નવા જિલ્લા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
Bharuch,તા.૧૨
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ છે. કારણ કે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદે પિત્તો ગુમાવ્યો છે. સોશિયલ મિડીયા પર નવા જિલ્લા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસકરીને તો જે ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણુક કરી તે આપ અને કોંગ્રેસમાંથી આવેલા છે. અન્ય પક્ષમાંથી આવેલા લોકોને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ’ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છે, એમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જીલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે. જીલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણુક કરી છે જે આવનારા દિવસોમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકશાન પહોંચાડશે.
ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂંક કરી છે. જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂંક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે. એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ. પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.