Surat તા.23
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આજે સવારે સુરતમાં આભ ફાટયુ હોય તેમ બે કલાકમાં છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની હાલત સર્જાઈ હતી અને લોકો કફોડી દશામાં મુકાઈ જવા સાથે શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
મેઘરાજાએ આજે સુરતનો વારો લીધો હોય તેમ સવારે બે કલાકમા છ ઈંચ વરસાદ વરસતા મીની પુરની હાલત સર્જાઈ હતી અને સર્વત્ર જળબંબાકારનું ચિત્ર ખડુ થયુ હતું. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને વાહનો પણ અડધા ડુબી ગયાની હાલત વચ્ચે ઠેકઠેકાણે ટ્રાફીક જામ સર્જાયો હતો.
જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સુરતની કોર્પોરેશન સંચાલીત શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા અને ઠેકઠેકાણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બીજી તરફ આજે સવારે પુરા થયેલા 24 કલાકમાં ગુજરાતના 165 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના રિપોર્ટ પ્રમાણે તમામ 33 જીલ્લાના 165 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વધુ સવા સાત ઈંચ વરસાદ જામનગર જીલ્લાના જોડીયામાં નોંધાયો હતો.
આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 164.33 મી.મી. થયો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ 18.61 ટકા થવા જાય છે. રાજયના તમામ 251 તાલુકામાં અત્યાર સુધીમાં વતાઓછા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે.
ઝોનવાઈઝ વરસાદની ગણતરી કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 24.77 ટકા, કચ્છમાં 21.42 ટકા, ઉતર ગુજરાતમાં 14.71 ટકા, મધ્ય ગુજરાતમાં 17.61 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 15.96 ટકા વરસાદ નોંધાયો છે.