Morbi,તા.21
પોલીસે ત્રણ બાઈક અને રોકડ સહીત ૧.૫૦ લાખનો મુદામાલ કબજે લીધો
મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસે પાંચ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લીધા છે અને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ બાઈક-રોકડ ગુનામાં વપરાયેલ બાઈક સહીત કુલ રૂ ૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મૂળ હળવદના દેવળિયા ગામે રહેતા હાલ હરીપર કેરાળા ગામની સીમમાં વેલેન્જા કારખાનામાં રહેતા પ્રકાશ ઉરે પકો રામુભાઈ મન્દુરીયાએ અજાણ્યા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૮ ના રોજ ફરિયાદી હરીપર ગામની સીમમાં ચા લેવા ગયા હતા ત્યારે બે બાઈકમાં આવેલ અજાણ્યા છ ઇસમોએ ચાની દુકાને ગાળો બોલી ધોકા વડે માર મારી રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવી અને બનાવની કોઈને જાણ કરીશ તો પતાવી નાખીશ તેવી ધમકી આપી હતી અને વિશ્વરાજસિંહ જાડેજાને માર મારી તેની પાસેથી રૂપિયા ૨૦ હજાર, સોનાની ચેન અને મોટરસાયકલની લૂંટ કરી લૂટારૂઓ ફરાર થયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
તાલુકા પોલીસે તપાસ ચલાવી લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી ફારૂક ઉર્ફે ફારકો દિલાવર જેડા, દિલાવર ઉર્ફે દિલો જુમાભાઈ મોવર, સિકંદર ઇકબાલ કટિયા, જુમા ઉર્ફે ડાડો સોકત મેર અને સિકંદર ઉર્ફે સીકો મુસ્તાક કાજેડીયા રહે પાંચેય માળિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈને લૂંટના ગુનામાં ગયેલ અને ગુનામાં વપરાયેલ સહીત ત્રણ બાઈક અને રોકડ રૂ ૪૦,૦૦૦ મળીને કુલ રૂ ૧.૫૦ લાખનો મુદામાલ રીકવર કર્યો છે
ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે જેમાં આરોપી ફારૂક જેડા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં છ ગુના, દીવાલાર મોવર વિરુદ્ધ માળિયામાં ૨ ગુના, જુમા મેર વિરુદ્ધ આઠ ગુના અને સિકંદર કાજેડીયા વિરુદ્ધ માળિયા પોલીસમાં ૬ ગુના નોંધાઈ ચુક્યા છે