Anand ,તા.૨૮
આણંદ શહેરના અમીન ઓટો નજીક આવેલા ગોડાઉનનું શટર ઊંચું કરી અંદરથી રૂા. ૫.૬૧ લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ છ શખ્સોની મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.
આણંદ ખાતે રહેતા પંકજ પ્રભાશંકર વ્યાસ ઈલેક્ટ્રીકના માલ સામાનનો વેપાર કરતા હોવાથી શહેરના અમીન ઓટો પાછળ ગોડાઉન રાખ્યું છે. ગત તા. ૨૫મી ડિસેમ્બરથી ૨૭મી ડિસેમ્બર દરમિયાન અજાણ્યા તસ્કરોએ રાત્રિના સુમારે તેઓના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનનું શટર ઊંચું કરી ગોડાઉનમાં પ્રવેશ કરી રૂપિયા ૬૮,૦૦૦ની કિંમતના કોપર કેબલ તેમજ રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરીથી તા. પાંચમીના રોજ ગોડાઉનને નિશાન બનાવી શટર મારફતે ગોડાઉનમાં પ્રવેશ કરી રૂપિયા ૪.૫૦ લાખની કિંમતના કોપરના કેબલોની ચોરી કરી લઈ ગયા હતા.
એક જ ગોડાઉનમાં બે વખત ચોરી કરી તસ્કરો કુલ રૂપિયા ૫.૬૧ લાખની મતાના કોપરના કેબલો ચોરી કરી ગયા હતા. જોકે ગત તા. ૨૪મી ફેબુ્રઆરીએ મોડી રાત્રિના સુમારે ફરીથી તસ્કરો ગોડાઉન ખાતે ત્રાટક્યા હતા પરંતુ શટર ઊંચું કરવા જતા અચાનક સાયરન વાગતા તસ્કરો અવાજ સાંભળી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે પંકજ પ્રભાશંકર વ્યાસે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આણંદ શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન આ ચોરીમાં સામેલ છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અજય બાબુભાઇ વસાવા, મહેશ પારૂભાઇ પારસિંગભાઇ મેડા, મહેશ ઉર્ફે મંગો શનાભાઇ વસાવા, સંજય ઉર્ફે એસ.કે વિનુભાઈ કેશુરભાઈ વસાવા, વિજયભાઈ ઉર્ફે મામો રમેશભાઈ માવી અને સોમાભાઇ ગોરધનભાઇ વસાવા ની ધરપકડ કરાઈ છે.