સ્કોર્પિયોમા આવેલા શખ્સો પોલીસની ઓળખ આપી સુરેશ મકવાણાને ઉઠાવી ગયા’તા
ક્રાઇમ બ્રાન્ચે થરાદ પોલીસની મદદથી નાકાબંદી કરી ભારતમાલા હાઇવે પરથી અપહરણકર્તાઓને પકડી અપહ્યતને મુક્ત કરાવ્યો
હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી શરાબ મંગાવી સુરેશે ફોન સ્વીચ ઓફ કરી નાખતા વિફરેલી ટોળકી રાજકોટ ધસી આવી’તી
Rajkot,તા.28
શહેરના થોરાળા વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં આવેલી ટોળકી બુટલેગરનું અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો હતો.રાજકોટના બુટલેગરે હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી મંગાવેલ દારૂના રૂપીયા આપવા ન પડે તે માટે વેપારીનો મોબાઈલ નંબર બ્લોક કરી નાંખતા યુવાનનું સ્કોર્પિયો કારમાં પોલીસની ઓળખ આપી અપહરણ થયું હતું. જો કે, રાજકોટ પોલીસની સતર્કતા અને થરાદ પોલીસે કરેલ નાકાબંધીથી અપહ્યત યુવાનનો છુટકારો થયો હતો અને પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી.
મામલામાં કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ આર.એમ.સી. પરીશ્રમ આવાસ ક્વાર્ટરમાં રહેતા લીલાબેન રમેશભાઈ મકવાણા ( ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ રમેશભાઇ મકવાણા પુત્ર સુરેશભાઈ (ઉ.વ.27) તથા પુત્રવધુ પુજાબેન સાથે રહી ઘરકામ કરે છે.ગઇ તા.26 ના સાંજના તેઓ તેમના પરીવાર સાથે ઘરે હતા ત્યારે તેમનો દિકરો સુરેશભાઇ મકવાણા સાંજના સાડા પાંચેક વાગ્યે તેના મિત્રના લગ્નમાં જવાનુ કહી ઘરેથી ગયેલ હતો. તેઓ ઘરે હતા ત્યારે રાત્રીના પોણા બારેક વાગ્યે અગાઉ તેમની બાજુમા રહેતા હુસૈન હાજીભાઇ હિગોરા કે જેઓ હાલ ભાવનગર રોડ ગંજીવાડામા રહે છે તે સુરેશનો મિત્ર છે.
તેમનો ફોન આવતાં પુત્રવધુએ વાત કરતા હુસૈનએ જણાવેલુ કે, હું તથા તમારા પતિ સુરેશભાઈ સહિતના મિત્રો રાત્રીના આઠેક વાગ્યે ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલની નજીક આવેલ નવા સેટેલાઇટ બસ સ્ટેન્ડમાં પબ્લીક પ્રવેશવાના મેઇન ગેઇટની બહાર બેઠા હતા ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયો નં-એચઆર-11-આર-5851 ગાડી આવેલ અને તેમા છએક અજાણ્યા શખ્સો હતા.
બાદમાં તેઓ તમારા પતિ સુરેશભાઇને ઉપાડીને લઇ ગયેલા છે, તેમ જાણ કરતા તેઓ પરીવાર સાથે રુબરૂ ભાવનગર રોડ ગંજીવાડા મેઇન રોડ ઉપર મળતા જાણ કરવા વાળા હુસૈન હિગોરા અને તેના અન્ય મિત્રોએ સુરેસના અપહરણની વાત કરેલ હતી. બાદમાં તેણી પોલીસ મથકે દોડી જઈ ફરીયાદ નોંધાવી હતી.
જે બાદ થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં યુવાને જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાં તેને હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી કટકે કટકે દારૂ મંગાવ્યો હતો. જેમના રૂ.3.50 લાખ આપવાના બાકી હતાં. જે બાદ રાહુલનો નંબર પણ બ્લોક કરી દિધો હતો.
જેથી ઉશ્કેરાયેલો રાહુલ તેની સાથે અન્ય શખ્સોને લઈ આવી તેનું અપહરણ કરી ગાડીમાં બેસાડી હમ હરિયાણા કી પુલીસ હે, શાંતિ સે બેઠના ઉસમે તૂહમાર ફાયદા હે કહી લઈ ગયાં હતાં. જે બાદ વાંકાનેર બાઉન્ડરી અને બાદમાં એક જગ્યાએ પાણી લેવા માટે ગાડી ઉભી રાખી બાદ 12 વાગ્યે થરાદ પહોંચતા ત્યાંની પોલીસે પકડી પાડ્યા હતાં.