New Delhi,તા.23
ગઈકાલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને સ્કેચ જાહેર કર્યા છે અને હવે તેમનું તલાશી અભિયાન વધુ તેજ બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક સપોર્ટથી આ ત્રાસવાદીઓએ ગઈકાલનો હુમલો કર્યો હતો તે નિશ્ચિત થયું છે અને તેથી જ સ્થાનિક સ્તરે પણ હુમલાખોરોને અહી પહોંચાડવામાં અને પરત સલામત જાય તેવી વ્યવસ્થા કરવામાં કોણ સામેલ હતા તે અંગે પણ પુછપરછ શરુ કરવામાં આવી છે.
તેના આધારે સમગ્ર હુમલાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને તેના પાકિસ્તાન સુધીના કનેકશન પણ ચકાસાશે. બીજી તરફ એક ત્રાસવાદી કે જે આ હુમલા બાદ નાસતો હોય તેવું એક ફોનમાં તેનો દ્રશ્ય ઝડપી લેવાયુ હતું તેની પ્રથમ તસ્વીર પણ જાહેર થઈ છે.
જેમાં આ ત્રાસવાદી પઠાણી ડ્રેસ પહેરેલો અને હાથમાં એકે-47 સાથે તે હુમલા સ્થળે પહોંચ્યો હતો તે નિશ્ચિત થયું છે અને તેને આધારે પણ તપાસ શરુ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રાસવાદીઓ છેલ્લા પાંચ થી છ દિવસથી આ વિસ્તારમાં મોજૂદ હશે જે હુમલાખોર ત્રાસવાદીની તસ્વીર ઝડપાઈ છે તેણે ગ્રે રંગના કુર્તા-પાયજામા પહેર્યા હોય અને 25થી26 વર્ષનો હોય તેવું અનુમાન આપવામાં આવ્યું છે.
સમગ્ર વિસ્તાર ખુલ્લો હોવાથી સહેલાણીઓને બચાવની પણ કોઈ તક ન મળે તે ત્રાસવાદીઓએ નિશ્ચિત કર્યુ હતું અને આમ સમગ્ર પ્રકરણમાં લાંબા સમયથી આ હુમલાની તૈયારી થતી હોય તે પણ બહાર આવ્યુ છે.