Rajkot, તા.29
રાજકોટમાં રસ્તા, ગટર, પાણી સહિતની સુવિધા માટે અલગ અલગ અને ખાસ કરીને નવા ભળેલા વિસ્તારોમાં અવારનવાર લોકો રજુઆત સાથે વિરોધ કાર્યક્રમો પણ આપી રહ્યા છે ત્યારે આજે તો કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે જમણા હાથ પર આવેલ લક્ષ્મીના ઢોરા તરીકે ઓળખાતી ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોએ ચકકાજામ કરતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.
કોર્પો.ના અનામત પ્લોટ પર ખડકાયેલી ઝુંપડપટ્ટીને પણ મનપા આવશ્યક સેવાના ભાગરૂપે ટેન્કરથી પીવાનું પાણી પુરૂ પાડે છે. પરંતુ હવે આ લોકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામતા આશ્ચર્ય ફેલાયું છે.
રાજકોટમાં રસ્તા સહિતના મુદે સોસાયટીઓ તેમજ લતાવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામા આવી રહયા છે. તેનાં લીધે મનપા દ્વારા એકશન પ્લાન અંતર્ગત રસ્તા રીપેરીંગ મરમ્મત સહીતની કામગીરી શ કરાઇ છે.
આજે સવારે કટારીયા ચોકડી ખાતે આવેલ અને લક્ષ્મીના ઢોરા તરીકે ઓળખાતા મફતીયાપરામાં રહેતા ઝુપડપટ્ટી ધારકો કટારીયા ચોકડીએ એકઠા થઇ નળ કનેકશન તેમજ રોડ-રસ્તા બનાવવાની માંગ સાથે ચોકડીએ ચકકા જામ કરતા મનપાનાં અધીકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
કટારીયા ચોકડીએ સરકારી જમીન પર દબાણો કરી મફતીયાપરા ઉભા કરનાર ઝુપડાવાસીઓએ આજે નળ કનેકશન મારફત પીવાનુ પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહીતની સુવિધાઓ આપવાની રજુઆતો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રોડ પર આડા આવી જતા ટ્રાફિકને બે્રક લાગી ગઇ હતી. મહાનગરપાલિકાનાં આ અનામત પ્લોટ પર વર્ષોથી ઝુંપડાઓનાં દબાણ કરી મફતીયુપરૂ ઉભુ કરવામા આવ્યુ છે.
મનપા દ્વારા ત્યા રહેતા લોકોને ટેન્કર મારફતે પીવાનુ પાણી પુરુ પાડવામા આવી રહયુ છે. પરંતુ હાલમા રોડ – રસ્તા મુદે લોકોએ કટારીયા ચોકડીએ એકઠા થઇ ચકકાજામ કરી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેતા મનપાનાં અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વર્ષોથી રહેતા લોકોએ ટેન્કરના બદલે નળ જોડાણો માંગ્યા છે. લાઇટની સુવિધા પણ માંગી છે. પરંતુ ગેરકાયદે ઝૂંપડપટ્ટીમાં પાણી સિવાયની સુવિધા કઇ રીતે આપી શકાય તે માટે તંત્ર પણ મુંઝવણમાં છે. રસ્તાની માંગણી પણ તેઓએ કરી છે.
હાલ ઝુંપડવાસીઓએ પીવાનુ પાણી અને રસ્તા મુદે ચકકાજામ કરી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેતા મનપાનાં અધીકારીઓએ લોકોને સમજાવી હાલ મામલો થાળે પાડયો છે. પરંતુ આ સ્થળ પર બ્રીજના કામ માટે સર્વિસ રોડ બનાવવા માટે અગાઉ અનેક દબાણો દુર કરવામા આવ્યા છે. આ જમીન પર કબજો જમાવીને બેઠેલા ઝુંપડાધારકોએ આજે તંત્ર સામે પડીને સુવિધા માંગી છે. જોકે આ દબાણોને પણ તંત્ર નોટીસો આપી ચૂકયું છે.