Ahmedabad,તા.21
ગુજરાતમાં એક તરફ લેન્ડલાઈન ફોનનો યુગ સમાપ્ત થતો હોય તેવા સંકેત છે અને વધુને વધુ લોકો મોબાઈલ તેમજ તેમાં પણ ડબલ સીમનો ઉપયોગ ફરી એક વખત શરૂ થયો છે તે સમયે રાજયમાં મે માસમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ જેટલી વધી છે અને તેનો સૌથી મોટો લાભ રીલાયન્સ જીયોને મળ્યો છે.
તો આશ્ચર્યજનક રીતે નંબર ટુ ગણાતી ભારતી એરટેલ કરતા વોડાફોન આઈડીયાને વધુ નવા ગ્રાહકો મળ્યા છે જયારે ભારત સંચાર નિગમ લીમીટેડ જે હજુ 5-જીમાં આવવા માટે પણ ધીમે ધીમે આગળ વધી રહી છે તેના ગ્રાહકોમાં અંદાજે 9500 સબક્રાઈબરનો ઘટાડો થયો છે.
ટેલીફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયા (ટ્રાઈ)ના આ રીપોર્ટ મુજબ રાજયમાં હવે મોબાઈલ સબક્રાઈબરની સંખ્યા 6.62 કરોડની થઈ છે. અને 2025માં રાજયમાં કુલ 12.5 લાખ નવા ગ્રાહકો નોંધાયા છે. અથવા તો અનેકે ડબલ સીમ લીધા છે.
જે 2024ના આ સમયગાળા કરતા વધુ નવા ગ્રાહકો જોડાયા છે. જોકે હજુ જુલાઈ 2021માં ગુજરાતમાં 7.01 મોબાઈલ સીમધારકો હતા તે સંખ્યાએ હજુ પહોંચી શકાયું નથી. કોરોના કાળ પછી જે રીતે આર્થીક મુશ્કેલી આવી હતી તેના પરિણામે લાખો લોકોએ પોતાના મોબાઈલ સીમ બંધ કરાવી દીધા હતા.
પરંતુ હવે ગ્રામીણ ક્ષેત્રમાં સ્માર્ટફોનની એન્ટ્રીએ ગ્રાહકોની સંખ્યા ફરી એક વખત વધારી છે અને ડેટાની માંગ પણ વધી રહી છે. કંપનીઓ માટે નવા ટાવર સ્થાપવા જરૂરી બની ગયા છે.
જોકે એક ટ્રેન્ડ મુજબ માઈગ્રેટ લેબલ એટલે કે અન્ય રાજયમાંથી ગુજરાતમાં ઔદ્યોગીક સહિતની મજુરી માટે આવતા લોકો અવારનવાર પોતાના સીમ બદલતા રહે છે કારણ કે તેઓ કંપનીની ઓફરનો મોટો લાભ ઉઠાવે છે. રાજયમાં ટેલી ડેન્સીટી 91.63 ટકા પહોંચી ગઈ છે.
રાજયમાં સૌથી વધુ મોબાઈલ સેવા રીલાયન્સ જીયોની છે જેના 3.04 કરોડ ગ્રાહકો છે. બીજા ક્રમે વોડાફોન આઈડીયા 1.96 કરોડ અને બાદમાં એરટેલ 1.24 કરોડ ગ્રાહકો સાથે ત્રીજા ક્રમે જયારે બીએસએનએલના ગ્રાહકોની સંખ્યા 32.60 લાખ છે.