તમે જાણતા જ હશો કે આપણે ગૂગલ મેપ્સ પર આપણું લોકેશન સ્વજનો સાથે શેર કરી શકીએ છીએ. અત્યારે ગૂગલ મેપ્સમાં સેટિંગ્સમાં જઇને આવું લોકેશન શેરિંગ ઓન કે ઓફ કરી શકાય છે.
આપણે ઇચ્છીએ તો એક કલાક કે વધુ સમય માટે પોતાનું લોકેશન રિઅલ ટાઇમમાં અન્ય ચોક્કસ લોકો સાથે શે કરી શકીએ છીએ. નિશ્ચિત સમયને બદલે લોકેશન શેરિંગ બંધ ન કરીએ ત્યાં સુધી પણ આ ફીચર ઓન રાખી શકાય છે.
જોકે અત્યારે લોકેશન શેરિંગની પ્રક્રિયા થોડી લાંબી છે. હવે તેને વધુ સહેલી બનાવવામાં આવી રહી છે. એ મુજબ મેપ્સ સિવાય ફોનના મેઇન સેટિંગ્સમાં જ નિશ્ચિત વ્યક્તિઓ સાથેનું લોકેશન શેરિંગ ઓન કે ઓફ કરવાની સગવડ મળશે.
આ નવી વ્યવસ્થા મુજબ, ફોનના સેટિંગ્સમાં ‘ગૂગલ’ અને તેમાં ‘ઓલ સર્વિસિસ’ હેઠળ આપણું લોકેશન શેરિંગ ઓન કે ઓફ કરવાનું બટન મળશે.
એ યાદ રાખવા જેવું છે કે આ લોકેશન શેરિંગ નિશ્ચિત લોકો માટેનું છે. આ વ્યવસ્થા મુજબ, જેનું લોકેશન શેર થતું હોય એ વ્યક્તિ પોતે આ પગલાં લે તો તેમનું લોકેશન શેર થાય છે, આપણી મંજૂરી વિના અન્ય વ્યક્તિ કમ સે કમ આ રીતે આપણું લોકેશન જાણી શકતી નથી.
વિવિધ એપ્સ આપણું લોકેશન જાણી શકે કે ન જાણી શકે એ માટેનાં સેટિંગ અલગ છે. ઉપરાંત આપણે કોઈ વ્યક્તિ સાથે પોતાનું લોકેશન શેર કરી રહ્યા હોઇએ અને તેને ઓફ કરીએ એ પછી એ વ્યક્તિને આપણું લાઇવ લોકેશન જાણવા મળશે નહીં. પરંતુ આપણે લોકેશન ફરી ઓન કરીએ નહીં ત્યાં સુધી તેમને આપણું છેલ્લું જાણવા મળેલું લોકેશન જોવા મળશે.