Rajkot. તા.21
મેટોડાની આસ્થા વિલેજ સોસાયટીમાં મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને સોસાયટીમાં આવેલ એક મકાનમાંથી રોકડ, દાગીના સહિત લાખોની માતા ચોરી કરી નાસી છૂટતા સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમો દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, મેટોડામાં કાલાવડ રોડ પર આવતી આસ્થા વિલેજ સોસાયટીમાં ગઈ મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને સોસાયટીમાં આવેલ એક મકાનમાં અંદર પ્રવેશી તેમાં રહેલ કબાટમાંથી રોકડ રૂપિયા 40,000 તેમજ સોનાનો ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાનું ડોકિયું સહિતનો સોના ચાંદીનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતા.
ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી જેમાં બે તસ્કરો મોડી રાતે સોસાયટીનો મેઇન ગેટ ટપીને સોસાયટીમાં પ્રવેશ કરતા નજરે પડે છે. થોડા સમય બાદ જ બંને શખ્સો સોસાયટીની બહાર જોતા પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયા હતા. હાલ પોલીસે મકાન માલિકની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તેમજ જે મકાનમાંથી ચોરી થઈ હતી તેમની બાલ્કનીનો દરવાજો ખુલ્લો મળ્યો હતો. જેથી તસ્કરો બાલ્કની વાટે મકાનમાં પ્રવેશ્યા હોવાની શંકાએ પણ તપાસ હાથ ધરી છે.

