ચાર કારખાના, અજંતા મોટર્સ, જલારામ ભેળ, ચા, પાન-ફાકીની કેબિનને નિશાન બનાવી રોકડ સહીતની મતા ઉઠાવી ગયા
સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કેદ : માલવિયાનગર પોલીસ મથક દ્વારા તપાસનો ધમધમાટ
Rajkot,તા.21
રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન ચોરી લૂંટ સહિતના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તસ્કરો ડઝનબદ્ધ દુકાનના તાળા તોડી રોકડ સહિતની મત્તા ઉઠાવી જતાં વેપારીઓ માલવિયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. એકાદ ડઝન કારખાના, દુકાન અને કેબિનને નિશાન બનાવનાર બે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ચોરીની ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપની પાછળ આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ અલગ અલગ ચાર કારખાનાના ડેલાના નકુચા અને શટરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમુક કારખાનાના તાળા તોડવામાં તસ્કરો સફળ થયાં હતા. જ્યાંથી તસ્કર ટોળકીએ રોકડ, માલ-મટીરીયલ સહીતની ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં તસ્કર ટોળકીએ અજંતા મોટર્સના શટરનું તાળું તોડ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ જલારામ ભેળના ડેલાનો નકુચો તોડી નાખવામાં આવ્યો હતો. બાદમાં અન્ય દુકાનોના તાળા તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરોએ બહુચર પાન અને ઠાકર પાનની દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહ્યા ન હતા. જે બાદ ચાના થડા અને પાન-ફાકીની કેબિનને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી રોકડ, સિગરેટ, પાન-ફાકીનો સામાન ઉઠાવી ગયા હતા. મોડી રાત્રે 2:05 વાગ્યાં આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા અને એક બાદ એક ડઝનેક દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
ઘટનાની જાણ થતાં કારખાનેદાર, વેપારીઓ એકત્ર થયાં હતા માલવિયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં સમગ્ર ઘટના અંગે રજુઆત કરી ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા માંગ કરવામાં આવી હતી. જો કે, ડઝનેક દુકાનના તાળા તૂટ્યા હોવાથી તસ્કરો કેટલી મતા ઉઠાવી ગયા છે તે આંકડો સ્પષ્ટ થયો ન હતો તેવું વેપારીઓએ જણાવ્યું હતું.