Gondal. તા.08
ગોંડલ નેશનલ હાઇવે નજીક આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તસ્કરો મહંતના રૂમના કબાટમાંથી રૂ. 18 હજારની રોકડ, જુનવાણી સિક્કા, બાર બોરની બંદૂક અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ. 28,500 ની મતા ઉઠાવી જતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ગોંડલ નેશનલ હાઇવે નજીક આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરના મહંત બલદેવગીરી ગુરૂ જથન્નાથગીરી સાધુ (ઉ.વ.75) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વાઘેશ્વર મહાદેવ મંદીરે છેલ્લા 35 વર્ષથી સેવાપુજા કરે છે.
આ મંદીરના નામે પાંચ વીઘા જમીન છે. આ મંદીર અગાઉ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે રોડ પર વચ્ચે આવેલ હતું પણ હાલ નવો રોડ બનતો હોવાથી મંદિરને તેઓની જમીનમાં પાછળની સાઇડ ખસેડેલ છે. જમીનમા એકાદ વીઘા જમીનમા નવુ મંદીર બને છે અને બીજી જગ્યામાં તેઓને રહેવાની નાના મોટા ચાર રૂમ અને એક મોટો હોલ બનાવેલ છે.
જ્યારે ચાર વીઘા જમીન ગોંડલના નવીનભાઈ રૈયાણીને ફૂલ-છોડની નર્સરી માટે ભાડે આપેલ છે. તેમની પાસે સ્વરક્ષણ માટે લાઇસન્સવાળી બાર બોર સીંગલ બેરલની બંદુક છે. વધુમાં મહંતે જણાવ્યુ હતું કે, ગઇ તારીખ 20/7/2025 ના તેમની બંદુક સાફ સફાઈ કરેલ અને આ બંદુક કબાટમાં સાચવીને રાખી દીધેલ હતી.
ગઈકાલે સવારે છ વાગ્યે નીત્યક્રમ મુજબ તેમની નીંદર ઉડી ગયેલ હતી અને તેઓ રૂમની સાફ સફાઇ કરતો હતાં ત્યારે કબાટનો દરવાજો ખુલ્લી હાલતમાં જોયેલ અને અંદર જોયુ તો બંદુક જોવા મળેલ નહી.
જેથી કબાટની તીજોરીમાં ખરાઈ કરતા રૂ.18 હજારની રોકડ અને 500 રૂપીયાના જુનવાણી સીકકા મળી આવ્યા ન હતા. જેથી ચોરીની શંકા જતાં મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવા જતાં સીસીટીવી કેમેરાનુ ડીવીઆર પણ ચોરી થઈ ગયાની જાણ થઈ હતી.
જેથી વાઘેશ્વર મહાદેવ મંદિરના મહંતે રૂ.18 હજારની રોકડ, રૂ.10 હજારની કિંમતની બાર બોરની બંદૂક, જુનવાણી સિક્કા, સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ. 29,500 ની ચોરી અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં.