Jamnagar,તા.18
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા 22 લાખની કિંમતના 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
થોડા દિવસ પહેલા જેઓના ઘરમાં જામનગરથી બે મહેમાન આવ્યા હતા, જેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હોવાથી તેઓએ તેની ચોરી કરી હોવાની શંકા દર્શાવતાં એલસીબીની ટુકડી આ બાબતમાં તપાસમાં કામે લાગી છે, અને નજીકના ભવિષ્યમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટર રાખતા કિશોરસિંહ કેશુભા જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે, કે તેઓના પરિવારના 350 ગ્રામની કિંમતના સોનાના જુદા-જુદા દાગીના કે જેની કિંમત અંદાજે 22 લાખ રૂપિયા જેટલી થાય છે, તે દાગીના તેઓએ પોતાના ઘરના પેટી પલંગમાં એક થેલીમાં સંતાડીને રાખ્યા હતા. ત્યાંથી કોઈ તસ્કરો કોઈ પણ સમયે ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ગઈકાલે એક પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના પહેરવા માટે ચેક કરતાં ઉપરોક્ત તમામ ઘરેણા ગાયબ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જે ફરિયાદ બાદ સૌપ્રથમ મેઘપર પોલીસની ટીમ દોડતી થઈ હતી, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી, તેમજ પરિવારના અન્ય સભ્યના નિવેદનો નોંધ્યા હતા.ઉપરોક્ત મસમોટી ચોરીની ફરિયાદને લઈને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડતી થઈ હતી, અને ફરિયાદી અને તેમના પરિવારની પૂછપરછ શરૂ કરતાં આજથી 15 દિવસ પહેલા જામનગરથી બે સગા સબંધીઓ મહેમાન બનીને ફરિયાદીના ઘેર રોકાયા હતા, તેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હતા. જેથી તે બંને ચોરી કરી ગઈ છે કે કેમ, તે અંગે શંકા દર્શાવાઈ હતી. જેથી એલસીબીની ટીમ દ્વારા આ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવાઇ છે, અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.