Srinagar તા.28
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં બરફનુ ભયાનક તોફાન ત્રાટકયુ હતું તેમાં હોટલો સહિતની ઈમારતોને વ્યાપક નુકશાન થયું હતું. સેંકડો લોકો ફસાયાની આશંકા છે. બીજી તરફ કાશ્મીર, હિમાચલ તથા ઉતરાખંડમાં હિમવર્ષાનો સિલસિલો ચાલુ રહેવા સાથે ચેતવણી પણ આપવામાં આવી છે.
કાશ્મીરના ગોદરબલ જીલ્લામાં આવેલા સોનમર્ગમાં રાત્રે બરફનુ ભયાનક તોફાન ત્રાટકયુ હતું જેમાં સંખ્યાબંધ હોટલો, મકાનો, ઈમારતો ઝપટે ચડી ગઈ હતી. પહાડ પરથી નદીની જેમ બરફની લહેર નીચે ત્રાટકી હતી અને સમગ્ર વિસ્તારને તાણી લીધો હતો.
જેને પગલે નાસભાગ અને અફડાતફડી મચી હતી. કુદરતી આફતમાં સીસીટીવી ફુટેજ વાયરલ બન્યા છે. સોનમર્ગના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ટ્રકયાર્ડ વિસ્તારમાં આ બરફની લહેરો ખાબકી હતી જાનહાની કે જાનખુવારીના કોઇ રીપોર્ટ નથી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ સમગ્ર કાશ્મીરમાં હિમવર્ષાનો દૌર ચાલુ જ રહ્યો છે. શ્રીનગરમાં પણ વરસાદ અને ખરાબ વાતાવરણ વચ્ચે તમામ પ8 ફલાઇટ રદ કરી નાખવામાં આવી હતી. શ્રીનગરમાં હળવો બરફ વરસ્યો હતો.
જયારે ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગાવ સહિતના ઉંચાઇવાળા ભાગોમાં ભારે હિમવર્ષા હતી અને વિન્ટર વન્ડર વર્લ્ડનું દ્રશ્ય સર્જાયુ હતું. શ્રીનગર-જમ્મુ હાઇવે બંધ જ રાખવામાં આવ્યો હતો અને બરફ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન ઉત્તરાખંડમાં પણ સતત હિમવર્ષાનો દૌર જારી રહ્યો હતો. બદ્રીનાથ, કેદારનાથ સહિતના ભાગોમાં બરફ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડના ઉંચાઇવાળા ભાગોમાં હિમપાત થવાની ચેતવણી આપવામાં આવી હતી અને તંત્રને સાવધાની રાખવા તથા અગમચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી.

