Mumbai,તા.07
સ્પોર્ટ્સ એન્ડોર્સમેન્ટ નાનાં પરંતુ નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે ઘણાં ક્રિકેટરો તેમની પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ્સનું ખુદ સંચાલન કરવાનું પસંદ કરી રહ્યાં છે, એમ સ્પોર્ટ્સ માર્કેટિંગ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ શિફ્ટ રમતગમતમાં વ્યાપક ચળવળને પ્રતિબિંબિત કરે છે, જેમાં એથ્લેટ્સ વધુને વધુ તેમનાં વ્યક્તિગત બ્રાન્ડ મેનેજમેન્ટની સીધી માલિકી લઈ રહ્યાં છે.
ઋષભ પંત પરંપરાગત ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ્સથી અલગ થનાર નવાં ક્રિકેટર છે, અને તે તેનાં એન્ડોર્સમેન્ટ સ્વતંત્ર રીતે હેન્ડલ કરવાનું પસંદ કરે છે. તેણે સ્પોર્ટ્સ અને એથ્લેટ બ્રાન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ઈન્દ્રનીલ દાસ બ્લાહ અને અનંત અરોરા સાથે ઑફ-પિચ ભાગીદારી કરી છે.
અગાઉ પંત જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ અને કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક દ્વારા મેનેજ થતાં હતાં. તેમાં ઘણાં અગ્રણી ખેલાડીઓ પણ જોડાયાં હતાં જેઓ તેમની બ્રાન્ડ ઇમેજ અને બાહ્ય એજન્સીઓ વિના એન્ડોર્સમેન્ટનું સંચાલન કરવાનું પસંદ કરતાં હતાં.
હાલમાં, શુભમન ગિલ પાસે તેની પોતાની એક ટીમ છે જે તેનાં એન્ડોર્સમેન્ટ ડીલની દેખરેખ કરે છે; તે અગાઉ કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સાથે હતાં.
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાની બ્રાન્ડ સ્થાપિત કર્યા બાદ સ્વતંત્ર થવાનું વિચારી રહ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કોહલીએ ગયાં વર્ષે કોર્નરસ્ટોનથી અલગ થઈ ગયાં હતાં અને રવિ શાસ્ત્રીની સ્પોર્ટિંગ બિયોન્ડ સાથે હાથ મિલાવ્યો હતો. જો કે, સૂત્રો કહે છે કે કોહલીના સ્પોર્ટિંગ બિયોન્ડ સાથેનાં જોડાણની સ્થિતિ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે, જોકે અધિકારીઓનું કહેવું છે કે ભાગીદારી ચાલુ છે.
ક્રોલ અભ્યાસ અનુસાર, કોહલીએ 2023માં 227.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ રાઇઝ વર્લ્ડવાઈડ દ્વારા મેનેજ કરવામાં આવે છે.
સચિન તેંડુલકર અને એમએસ ધોની સમર્પિત ઇન-હાઉસ ટીમો દ્વારા તેમનાં એન્ડોર્સમેન્ટનું સંચાલન ખુદ કરે છે. તેંડુલકરે પોતાની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની, એસઆરટી સ્પોર્ટ્સ સ્થાપી છે. ધોનીએ તેનાં મિત્ર અરુણ પાંડે દ્વારા સ્થાપવામાં આવેલી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની રિતિ સ્પોર્ટ્સથી અલગ થઈ ગયાં હતાં.
ઇન્દ્રનીલ દાસ બ્લાહ, જેમણે તાજેતરમાં પોતાની કંપની, એમ્પ સ્પોર્ટ્સ શરૂ કરી છે તેઓએ કહ્યું કે ક્રિકેટરો અને અન્ય સેલિબ્રિટીઓ માટે વ્યક્તિગત ધ્યાન નિર્ણાયક હોય છે.
તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ ક્રિકેટરોના સ્વતંત્ર થવા વિશે છે, પરંતુ તેઓને સમજાયું કે તેમની બ્રાન્ડ પ્રથમ આવે છે, ત્યારબાદ આવક આવે છે. તેઓએ કહ્યું કે ક્રિકેટરો પહેલાં પોતાની બ્રાન્ડ ઈમેજ બનાવી લેશે તો એન્ડોર્સમેન્ટ તેમની પાસે આવવાનું જ છે, એન્ડોર્સમેન્ટ માટે એજન્સી હોવી જરૂરી નથી વ્યક્તિગત મેનેજર સાથે પણ એન્ડોર્સમેન્ટ થઈ શકે છે.
બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયાના એમડી અજીમોન ફ્રાન્સિસે જણાવ્યું હતું કે ભારતમાં સમગ્ર રમતગમતમાં સેલિબ્રિટી મેનેજમેન્ટ કુશળતામાં મોટો તફાવત છે કારણ કે મોટાભાગની એજન્સીઓ ડીલને સુરક્ષિત કરવા માટે તેમનાં સ્થાપકોના નામ પર આધાર રાખે છે પરંતુ ખરેખર બ્રાન્ડ બનાવવા અને તેનું સંચાલન કરવાની કુશળતાનો અભાવ છે.
તેમણે કહ્યું કે “ઘણાં એથ્લેટ્સ હવે સ્વતંત્ર થવાનું પસંદ કરી રહ્યાં છે, કારણ કે સોશિયલ મીડિયા તેમને બ્રાન્ડસ સાથે સીધાં જોડાવા માટે સક્ષમ બનાવે છે. તે ઉચ્ચ એજન્સી ફી ઘટાડવામાં પણ મદદ કરે છે. ફોકસને ટૂંકા ગાળાની ડીલથી વિચારશીલ બ્રાન્ડ નિર્માણ તરફ સ્થાનાંતરિત કરવાની જરૂર છે, પરંતુ આ કરવા માટે પ્રતિભા હજુ પણ દુર્લભ છે.”
ઉદ્યોગનાં સૂત્રોએ નોંધ્યું છે કે, એજન્સીઓના કમિશન અલગ-અલગ હોય છે, પ્રખ્યાત ક્રિકેટરોને ઓછી ફી ભરવી પડતી હોય છે જ્યારે ઉભરતાં ક્રિકેટરોને ઘણીવાર વધુ ફી ભરવી પડે છે.